બિકાનેરમાં નાગરિકોને એમનાં ઘેર-જઈને કોરોના-રસી આપવામાં આવશે

બિકાનેરઃ રાજસ્થાન રાજ્યનું બિકાનેર દેશનું પહેલું શહેર છે જ્યાં આવતીકાલથી ઘેર-જઈને (ડોર-ટુ-ડોર) કોરોના-પ્રતિરોધક રસી આપવામાં આવશે. કોરોનાવાઈરસ મહાબીમારી સામેના જંગ અંતર્ગત શરૂ કરાયેલી રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત 45 વર્ષથી વધુની ઉંમરવાળાઓને એમના ઘેર-જઈને રસી આપવામાં આવશે. જોકે લાભાર્થીઓએ કોવિન એપ પર એમનું નામ નોંધાવવાનું રહેશે. એમણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર પોતપોતાનાં નામ અને સરનામા દર્શાવવાના રહેશે.

ટાઈમ્સ નાઉના અહેવાલ અનુસાર, સ્થાનિક વહીવટીતંત્રએ આ માટે ‘વેક્સિનેશન ઓન વ્હીલ્સ’ યોજના શરૂ કરી છે. રસીકરણ ઝુંબેશ માટે બે એમ્બ્યુલન્સ અને ત્રણ મોબાઈલ ટૂકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ઓછામાં ઓછા દસ જણ રજિસ્ટ્રેશન કરાવે તે પછી જ વેક્સિનેશન વેન એમના ઘેર જવા માટે રવાના થશે. વ્યક્તિને રસી આપી દેવામાં આવે ત્યારબાદ થોડોક સમય સુધી એની તબિયત પર મેડિકલ ટીમના સભ્યો દેખરેખ રાખશે.