મોદી-પ્રધાનમંડળ વિસ્તરણના ભણકારાઃ સુશીલ મોદી, સિંધિયાને સ્થાન?

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદના ચોમાસું સત્ર પૂર્વે પોતાના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે એવી ધારણા રખાય છે. જે રીતે મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ રહી છે તે જોતાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં વિસ્તરણના ભણકારા વાગી રહ્યા છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ મોદીએ સત્તાના સૂત્રો બીજી વાર સંભાળવાનું ચાલુ રાખ્યા બાદ પોતાના પ્રધાનમંડળમાં કોઈ ફેરફાર કર્યા નથી.

અહેવાલોનો દાવો છે કે મોદી સરકારમાં સભ્યોની સંખ્યા હાલ 60 છે, તે વધારીને 79 કરવામાં આવશે. હાલ 21 કેબિનેટ પ્રધાનો છે, 9 સ્વતંત્ર હોદ્દો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાનો છે અને 29 પ્રધાનો રાજ્યકક્ષાના છે. કહેવાય છે કે જેમણે સારી કામગીરી બજાવી નહીં હોય એ પ્રધાનોને મોદી પોતાની સરકારમાંથી પડતા મૂકશે. જેવા નવા સભ્યોનો ઉમેરો થવાની ધારણા છે એમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્બાનંદ સોનોવાલ (આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન), સુશીલ મોદી (બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન), અનુપ્રિયા પટેલ (અપના દલ પ્રમુખ).