MPના મુરેનામાં કાળજું કંપાવી દેતી રેલ દુર્ઘટના

મધ્ય પ્રદેશના મુરેના રેલવે સેક્શનમાંથી એક અત્યંત દર્દનાક અને આંખમાં આસુ લાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. રવિવારે બપોરે ટ્રેનમાં આગ લાગવાની એક ખોટી અફવાના કારણે સર્જાયેલી અંધાધૂંધીએ 4 નિર્દોષ મુસાફરોનો ભોગ લીધો છે. ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હોવાની બૂમો ઉઠતાં જ મુસાફરોએ ગભરાઈને ચેન ખેંચી ટ્રેન ઉભી રાખી દીધી હતી અને પ્લેટફોર્મ વિનાના ટ્રેક પર નીચે કૂદી પડ્યા હતા. કમનસીબે, આ જ સમયે બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહેલી અન્ય એક એક્સપ્રેસ ટ્રેનની ચપેટમાં આવવાથી આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ કાળનો કોળિયો બન્યા મુસાફરો

આ ભયાનક ઘટના રવિવારે બપોરે આશરે 4 વાગ્યાની આસપાસ ઘટી હતી. ગાડી સંખ્યા 19665 ખજુરાહોથી ઉપડીને ઝાંસી થઈને ઉદયપુર તરફ જઈ રહી હતી. ટ્રેન મુરેના સ્ટેશન પસાર કરીને જ્યારે હેતમપુર અને ઘેર રેલવે સ્ટેશન વચ્ચે પહોંચી, ત્યારે એન્જિનથી બીજા જનરલ કોચમાં કોઈકે ટ્રેનમાં આગ લાગી હોવાની બૂમ પાડી હતી. આ અફવા ફેલાતાની સાથે જ આખા કોચમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. મુસાફરોએ તાત્કાલિક ચેન પુલિંગ (Chain Pulling) કર્યું હતું જેના કારણે ટ્રેન અધવચ્ચે ટ્રેક પર ઉભી રહી ગઈ હતી.

ચશ્મદીદોના જણાવ્યા અનુસાર, ટ્રેન ઉભી રહેતાની સાથે જ ગભરાયેલા મુસાફરો જીવ બચાવવા દરવાજામાંથી નીચે રેલવે ટ્રેક પર કૂદવા લાગ્યા હતા. આ મુસાફરો હજુ કંઈ સમજે કે લાઈન પરથી ખસે તે પહેલા જ, આગ્રા તરફથી મુરેના-ગ્વાલિયર થઈને ઝાંસી તરફ જઈ રહેલી ફિરોઝપુર-સિવની પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. ટ્રેકની સાઈડમાં અને પાટા પર ઉભેલા લોકો આ પૂરપાટ ઝડપે આવતી ટ્રેનની અડફેટે આવી ગયા હતા, જેમાં 1 બાળક અને 3 મહિલાઓ સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.

રેલવે પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે

આ ઘટના અંગે રેલવે મંડળના જનસંપર્ક અધિકારી (PRO) મનોજ સિંહે જણાવ્યું કે, હેતમપુર-ધોલપુર રેલખંડમાં બપોરે અંદાજે 4:15 વાગ્યે ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેન ચેન પુલિંગના કારણે રોકાઈ હતી. ટ્રેન રોકાયા બાદ કેટલાક મુસાફરો નીચે ઉતરીને બાજુની રેલ લાઇન પર ચાલવા લાગ્યા હતા, જે દરમિયાન સામેથી આવતી પાતાલકોટ એક્સપ્રેસની અડફેટે આવતાં આ જાનહાનિ થઈ છે.

ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રશાસન, જીઆરપી (GRP), આરપીએફ (RPF) અને સ્થાનિક જિલ્લા પ્રશાસનની ટીમો એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રભાવિત મુસાફરો અને તેમના પરિવારોને તાત્કાલિક તબીબી અને અન્ય જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. રેલવે વિભાગ દ્વારા આ અકસ્માતના ચોક્કસ કારણો અને કઈ પરિસ્થિતિમાં આ અફવા ફેલાઈ તેની વિસ્તૃત કાનૂની તપાસ શરૂ કરવામાં આવી છે.