મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની ‘નો-હેન્ડશેક પોલિસી’ યથાવત

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર ક્રિકેટના રોમાંચ માટે જ નહીં, પરંતુ મેદાન પર જોવા મળેલા ભારતીય ટીમના કડક રાજદ્વારી વલણને કારણે પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. ઈંગ્લેન્ડના બર્મિંગહામ મેદાન પર ટોસ પ્રક્રિયા દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના તરફ જોવાનું ટાળ્યું હતું અને તેમની સાથે હાથ મિલાવ્યા વિના જ ટોસની વિધિ પૂર્ણ કરી હતી. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ભારત સરકારે પાકિસ્તાન સામે કોઈપણ સ્તરે સંબંધ ન રાખવાની નીતિ અપનાવી છે, જેની ઝલક અહીં ફરી જોવા મળી.

વર્ષ 2025 થી શરૂ થઈ છે આ ‘નો-હેન્ડશેક પોલિસી’

ભારતીય ક્રિકેટ ટીમો દ્વારા પાકિસ્તાની ખેલાડીઓ અથવા કેપ્ટન સાથે હાથ ન મિલાવવાનો આ સિલસિલો વર્ષ 2025 માં રમાયેલા એશિયા કપથી શરૂ થયો હતો. આ નીતિ માત્ર સિનિયર ટીમો પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારતીય જૂથોએ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ, અંડર-19 એશિયા કપ અને અંડર-19 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામે આ જ કડક વલણ જાળવી રાખ્યું હતું. નોંધનીય છે કે, ગત વર્ષે રમાયેલા મહિલા વર્લ્ડ કપ દરમિયાન પણ હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

ટોસ જીતીને શું બોલી ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર?

મેચના એક દિવસ પહેલા જ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હરમનપ્રીતે આ નીતિ વિશે વધુ વાત કરવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે, ટીમનું સંપૂર્ણ ધ્યાન બહારની બાબતો પર નહીં પરંતુ માત્ર રમત અને વ્યુહરચના પર છે. બર્મિંગહામમાં ટોસ જીત્યા બાદ હરમનપ્રીતે કહ્યું, ”અમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મને લાગે છે કે આ બેટિંગ માટે ખૂબ જ સરસ પિચ છે અને અમે સ્કોરબોર્ડ પર એક મોટો અને મજબૂત ટોટલ સ્કોર ઊભો કરવાનો પૂરો પ્રયાસ કરીશું.”

જ્યારે હરમનપ્રીતને પૂછવામાં આવ્યું કે ભારત વનડે વર્લ્ડ કપ 2025 નું ચેમ્પિયન બન્યું છે, તો શું તે જીતથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે? ત્યારે તેણે હસતાં હસતાં જવાબ આપ્યો, અમે બધા આ ટૂર્નામેન્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. પાછલા વર્લ્ડ કપની જીતે અમને ચોક્કસપણે ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે અને અમે તે જ વિનિંગ કોન્ફિડન્સ આ ટી20 વર્લ્ડ કપમાં પણ આગળ લઈ જવા માંગીએ છીએ. અમે અમારી રમતના ઘણા નબળા પાસાઓ પર સખત કામ કર્યું છે અને હવે બસ મેદાન પર સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમવાનું છે.

પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાની પ્રતિક્રિયા

બીજી તરફ, પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ હાર્યા બાદ જણાવ્યું કે, જો અમે પણ ટોસ જીત્યા હોત તો પહેલા બેટિંગ કરવાનો જ નિર્ણય લીધો હોત. આ પિચ સંપૂર્ણપણે બેટિંગ ટ્રેક જેવી દેખાઈ રહી છે. મને લાગે છે કે એક ટીમ તરીકે અમે બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. અમારી પાસે એક મજબૂત અને અનુભવી બોલિંગ યુનિટ છે, તેથી અમારે માત્ર બેટિંગ વિભાગમાં થોડો સુધારો કરવાની જરૂર છે. અમારો બોલિંગ એટેક ઘણો અનુભવી છે, તેથી મને આશા છે કે આ એક ખૂબ જ રોમાંચક અને શાનદાર મુકાબલો સાબિત થશે.

ભારતીય ટીમનો શરમજનક ટોસ રેકોર્ડ તૂટ્યો

આ મેચમાં ટોસ જીતવાની સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નામે ચાલી રહેલો એક ખરાબ રેકોર્ડ પણ તૂટી ગયો છે. ભારતીય મહિલા ટીમે ટી20 આંતરરાષ્ટ્રીય (T20I) ક્રિકેટમાં સતત 8 ટોસ હાર્યા બાદ આ પહેલો ટોસ જીત્યો છે. આ ઉપરાંત, વર્ષ 2022 પછી ઈંગ્લેન્ડની ધરતી પર સતત 12 ટી20 મેચોમાં ટોસ હારવાના સિલસિલા બાદ ભારતે પહેલીવાર ટોસ જીતવામાં સફળતા મેળવી છે.