ચંડીગઢઃ દુનિયાને જેણે સ્થગિત કરી દીધી છે તે કોરોના વાઈરસ સામેની લડાઈમાં સંકળાયેલા આરોગ્યક્ષેત્રના કર્મચારીઓ તથા ગરીબ બાળકો સહિત 3.5 લોકોને મદદ કરવા માટે ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમોના ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે CRY સંસ્થા (Child Rights and You) સાથે હાથ મિલાવ્યા છે.
હરભજન સિંહે આની જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પર કરી છે.
એણે લખ્યું છે કે, CRY સંસ્થા અને મેં કોરોના વાઈરસ રોગચાળા દરમિયાન 3.5 ગરીબ બાળકો તથા આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓને મદદરૂપ થવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. કૃપા કરીને આ તાકીદની સેવા માટે @cry_india સંસ્થાને મદદ કરો. તમે જે કંઈ પણ નાની મદદ કરી શકો એ કરો. cry.org/helpchildren
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મંગળવારે જાહેરાત કરી હતી કે કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે આપણા દેશમાં 21-દિવસ લોકડાઉન અમલમાં રહેશે. એમણે કહ્યું હતું કે કોરોના સામેની લડાઈને નિર્ણાયક સ્તરે લડવા માટે આ પગલું ભરવું જરૂરી છે. લોકોનાં જાન બચાવવા તે આપણી પ્રાથમિકતા છે.
વડા પ્રધાને હાથ જોડીને દેશવાસીઓને વિનંતી કરી હતી કે તમે જ્યાં પણ હો ત્યાં જ રહેજો. જો નાગરિકો આ 21 દિવસનું લોકડાઉન નહીં સંભાળે તો દેશ 21 વર્ષ સુધી પાછળ રહી જશે અને ઘણા પરિવારો બરબાદ થઈ જશે.
કોરોના વાઈરસને કારણે દેશ અને વિદેશોમાં તમામ ખેલકૂદ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. ટોકિયો ઓલિમ્પિક્સ ગેમ્સને એક વર્ષ મુલતવી રાખવામાં આવી છે તો ઘરઆંગણે આઈપીએલનું ભાવિ ડામાડોળ છે. સરકાર 15 એપ્રિલ બાદ નવી જાહેરાત કરે તે પછી જ 13મી આઈપીએલ સ્પર્ધા રમાડવી કે નહીં તે નક્કી કરાશે.