ભારત લોકડાઉનના મોદીના નિર્ણયને કોહલી સહિત ક્રિકેટરોનું સમર્થન

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારતભરમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને સમર્થન આપવામાં ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ દેશના ક્રિકેટ સમુદાયની આગેવાની લીધી છે.

કોહલીએ ગઈ કાલે રાતે જ ટ્વીટ કરીને મોદીના નિર્ણયને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

એણે ટ્વીટમાં લખ્યું કે, આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ હમણાં જ જાહેરાત કરી કે આખો દેશ આજે મધરાતથી 21 દિવસ સુધી લોકડાઉન સ્થિતિમાં રહેશે. મારી સૌને વિનંતી છે કે મહેરબાની કરીને ઘરમાં જ રહેજો.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ મોદીના નિર્ણયને સમર્થન આપ્યું છે અને પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડિયો નિવેદન પોસ્ટ કર્યું છે. એમણે જણાવ્યું છે કે લોકોને મારી વિનંતી છે કે સૌ પોતાના ઘરમાં જ રહે. ચાલો સાથે મળીને આ લડાઈ લડીએ… આપણે સફળ થઈશું. દુનિયાભરમાં નાગરિકોએ એમની સરકારો કહે એ પ્રમાણે કરવું.

ટેસ્ટ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ ટ્વીટ કરીને પીએમ મોદીના નિર્ણયને ટેકો આપ્યો છે. એણે લખ્યું છે, 3 અઠવાડિયા… ચાલો ઘરમાં જ રહીએ. આ ત્રણ અઠવાડિયામાં લોકોનું બેજવાબદાર વર્તન આપણને બે દાયકા પાછળ રાખી દેશે. વેલડન નરેન્દ્ર મોદીજી.

અનુભવી સ્પિનર હરભજન સિંહે મોદીના નિર્ણયને ટેકો આપતું ટ્વીટ અંગ્રેજી, હિન્દી અને તામિલ ભાષાઓમાં પોસ્ટ કર્યું છે. એણે લખ્યું છે, આ 21 દિવસો આપણા જીવનના સૌથી મહત્ત્વના દિવસો બનશે… તેથી મહેરબાની કરીને જવાબદાર નાગરિકો બનજો. કોરોનાને રોકવાનો આપણને આ એક જ મોકો છે.

રાજકોટનિવાસી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ટ્વીટમાં લખ્યું છે, આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ આપેલી સલાહ અનુસાર હું દરેક જણને વિનંતી કરું છું કે સૌ ઘરમાં જ રહે અને રોગચાળાને રોકવામાં મદદરૂપ થાય.

ઉલ્લેખનીય છે કે, મોદીએ ગઈ કાલે રાતે ટીવી પર પ્રસારિત રાષ્ટ્રજોગા સંબોધનમાં કહ્યું હતું કે કોરોના વાઈરસ સામેની લડાઈ અંતર્ગત મંગળવાર મધરાતથી ભારતમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવશે. કોરોનાને નિર્ણાયક રીતે હરાવવા માટે આ પગલું આવશ્યક છે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે દેશમાં જ્યાં પણ હો, ત્યાં જ રહેજો. જો આપણે આ 21-દિવસનું લોકડાઉન નહીં સંભાળીએ તો આપણો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે અને ઘણા પરિવારો બરબાદ થઈ જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]