મુંબઈઃ અંધારીઆલમના ડોન દાઉદ ઈબ્રાહિમને સંડોવતા મની લોન્ડરિંગના એક કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ કરેલા કેસમાં હાલ અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલા મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક પાસેથી રાજ્ય સરકાર રાજીનામું માગી લે એવી માગણી સાથે આજે અહીં દેખાવો કરી રહેલા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ તથા એમની પાર્ટીના અન્ય અમુક નેતાઓને પોલીસે અટકમાં લીધા હતા. જોકે નેતાઓને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા.
ભાજપના નેતાઓએ મલિકની વિરુદ્ધમાં દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન તરફ મોરચો કાઢ્યો હતો. જેમાં નારા લગાવવામાં આવ્યા હતા કે, ‘નવાબ મલિક રાજીનામું આપો’, ‘દેશ કે ગદ્દારોં કો ગોલી મારો સાલો કો.’ બાદમાં આઝાદ મેદાનમાં યોજેલી જાહેર સભામાં ફડણવીસે જણાવ્યું કે જો મહાવિકાસ આઘાડી સરકાર મલિકને હોદ્દા પરથી બરતરફ નહીં કરે તો એવું કહેવાશે કે સરકાર પણ અન્ડરવર્લ્ડના ભાગેડૂ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે ભળી ગઈ છે.