યૂએન વીમેન દ્વારા હરિની રાણાની પસંદગી

મુંબઈઃ ગુજરાતી સમાજને ગર્વ થાય એવા સમાચાર છે. મુંબઈસ્થિત જાણીતાં સ્પોર્ટ્સ પત્રકાર-તંત્રી હરિની રાણાને સંયુક્ત રાષ્ટ્ર મહિલા સંસ્થા દ્વારા જનરેશન ઈક્વાલિટી એલી ફોર ઈન્ડિયા એન્ડ એશિયા (ભારત અને એશિયા ખંડ માટે પેઢી સમાનતા સહયોગી) તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. આજે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘યૂએન વીમેન ઈન્ડિયા’ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

જનરેશન ઈક્વાલિટી સંસ્થા મહિલાઓનાં અધિકારો માટે લડત ચલાવતાં કાર્યકર્તાઓની આગામી પેઢીઓને લૈંગિક સમાનતાના હિમાયતીઓ તથા દૂરદર્શી લોકોની સાથે લાવે છે. તમામ વય અને જાતિનાં આ પરિવર્તનકારો મહિલાઓનાં સક્ષમીકરણનાં અધૂરાં રહેલાં કાર્યોને નવી, અભૂતપૂર્વ અને બહુ-પેઢીગત ઝુંબેશ મારફત સંયુક્ત રીતે પૂરાં કરી શકે છે.

પોતાની પસંદગી અંગે પ્રત્યાઘાત આપતાં હરિનીએ કહ્યું કે, આ મારાં તથા મારાં પરિવાર માટે ઘણી જ વાસ્તવિક ક્ષણ છે. હું આ ક્ષણને મેં આટલાં વર્ષોમાં બજાવેલાં મારાં કાર્ય તથા આપેલાં બલિદાનને વૈશ્વિક માન્યતાનાં રૂપમાં જોઉં છું. ભારતીય કન્યા તરીકે, ખેલકૂદ ક્ષેત્રમાં વધુ ને વધુ કન્યાઓ સામેલ થાય એ માટે હું કાયમ ઉત્સાહિત રહી છું. આ સાથે મને મારું સપનું સાકાર કરવાનો અને મને ખૂબ જ પ્રિય એવા ઉદ્દેશ્યની દિશામાં કામ કરવાનો અવસર મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2022ની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં યોજવામાં આવેલી એક પરિચર્ચા માટે બ્રિટનની સંસદ દ્વારા હરિની રાણાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બહુમાન પ્રાપ્ત કરનાર તેઓ એકમાત્ર ભારતીય હતાં. તેમાં અન્ય 12 યશસ્વી વ્યક્તિઓનો પણ સમાવેશ કરાયો હતો. જૂન-2021માં, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તેણે નવા શરૂ કરેલા ક્રિકેટ ફ્યૂચર લીડર્સ પ્રોગ્રામ માટે હરિની રાણાની પસંદગી કરવામાં આવી હતી. આ સિદ્ધિ મેળવનાર હરિની એકમાત્ર ગુજરાત કન્યા હતાં. વિશ્વ ક્રિકેટમાં વધુ ને વધુ મહિલા આગેવાનો સામેલ થાય એ માટે આઈસીસી દ્વારા આ કાર્યક્રમ શરૂ કર્યો છે.

ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉમાં 30 વર્ષથી ઓછી વયનાં મહિલા સ્પોર્ટ્સ તંત્રી તરીકે ભારતનાં માત્ર બીજાં અને ગુજરાતી સમાજમાં પ્રથમ તથા એકમાત્ર કન્યાની પણ સિદ્ધિ ધરાવે છે. આટલા વર્ષોમાં, તેઓ 4 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા, ઓલિમ્પિક ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, ટેનિસ ગ્રાન્ડસ્લેમ સ્પર્ધાઓ કવર કરી ચૂક્યાં છે અને આંતરરાષ્ટ્રીય સ્ટાર એથ્લીટ્સનાં ઈન્ટરવ્યૂ લઈ ચૂક્યાં છે.

એક ગુજરાતી તરીકે પણ હરિની ગુજરાત સાથે વિશિષ્ટ રીતે સંકળાયેલાં રહ્યાં છે. એમાં પોતે મેળવેલી સફળતા માટેનો શ્રેય તેઓ એમનાં આધ્યાત્મિક માર્ગદર્શક પૂજ્ય મોરારિબાપુને આપે છે, જેઓ ભાવનગર જિલ્લાના જ હોઈ પોતાને પુરુષોના વર્ચસ્વવાળા ખેલકૂદ ક્ષેત્રમાં પોતાનાં સપનાંઓને સાકાર કરવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

હરિનીને આશા છે કે ગુજરાતમાં સમાન વિચારસરણી ધરાવતાં લોકો સાથે મળીને કામ કરવાની આ એમને તક પૂરી પાડશે.