મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદને મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ મોકલી છે. એની પર આરોપ છે કે એણે પોશ ગણાતા જુહૂ વિસ્તારમાં એક રહેણાંક ઈમારતને ગેરકાયદેસર રીતે હોટેલમાં ફેરવી નાખી છે. એમ કહેવાય છે કે સોનૂએ ગયા વર્ષે કોરોના વાઈરસને કારણે લોકડાઉનની શરૂઆત વખતે છ-માળનું મકાન ડોક્ટરો તથા અન્ય તબીબી વ્યાવસાયિકો માટે ક્વોરન્ટીન સુવિધા માટે આપ્યું હતું.
બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ફરિયાદને પગલે મુંબઈ પોલીસે જણાવ્યું છે કે તેઓ આ કેસમાં તપાસ કરશે અને જરૂરી પગલાં લેશે. આ મામલે સોનૂ તરફથી હજી કોઈ ટીકાટિપ્પણ કરાઈ નથી. પરંતુ ભાજપના નેતા રામ કદમનો આક્ષેપ છે કે શિવસેના સંચાલિત બીએમસી અને મહારાષ્ટ્ર સરકાર કંગના રણૌત પછી હવે સોનૂ સૂદને ટાર્ગેટ બનાવી રહ્યા છે.