સોનૂ સૂદ મહાપાલિકાની પોલીસ ફરિયાદને હાઈકોર્ટમાં પડકારશે

મુંબઈઃ અહીંના જુહૂ વિસ્તારમાં આવેલા એક રહેણાંક બિલ્ડિંગના ઉપયોગમાં પોતે કોઈ ગેરરીતિ આચરી નથી એવું બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદે ભારપૂર્વક જણાવ્યું છે. છ-માળના રહેણાંક મકાનને પોતે પરવાનગી મેળવ્યા વગર એક હોટેલમાં ફેરવી દેવા બદલ મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) તરફથી પોતાની વિરુદ્ધ પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં સોનૂ સૂદે કહ્યું કે બીએમસીના આ નિર્ણય સામે તે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરશે.

રાષ્ટ્રીય હિરો તરીકે પ્રખ્યાત થયેલા સોનૂએ આ મકાન ગયા વર્ષે કોરોના લોકડાઉન વખતે કોરોના દર્દીઓને રાખવા માટે આપ્યું હોવાનો તેની પર આરોપ છે. સોનૂનું કહેવું છે કે તેણે એ માટે બીએમસી પાસેથી પરવાનગી લીધી હતી. મેં કોઈ ગેરરીતિ આચરી નથી. હું કાયદાના પાલનમાં માનનારો છું. હોટેલનો ઉપયોગ રોગચાળા દરમિયાન કોવિડ-19 યોદ્ધાઓને રાખવા માટે કરવામાં આવ્યો હતો. જો એ માટે પરવાનગી આપવામાં આવી નહીં હોય તો હું એને ફરી રહેણાંક માળખામાં પાછું ફેરવી દઈશ. હું આ ફરિયાદ સામે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરવાનો છું.