નિલેશ કુંભાણીના મોસ્ટ વૉન્ટેડના લાગ્યા બેનરો

લોકસભા ચૂંટણીને લઈ હાલ રાજ્યમાં મોટેપાયે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પોતાના નિવેદનને લઈ ભાજપ નેતા જનતાના રોષનો શિકાર બની રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયા બાદ એક પછી એક બધા ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ પરત ખેંચ્યા હતા. જેથી સુરત બેઠક પર લોકસભા ચૂંટણી પર ભાજપનું કમળ બિનહરી ખીલ્યું.

બે દિવસ પહેલાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા બેનર સાથે કુંભાણીના ઘર પર વિરોધ કર્યો હતો. જ્યારે આજે વરાછા વિસ્તારમાં આપના નેતા દિનેશ કાછડિયાએ આને ઓળખો; આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર તેવા લખાણ સાથેના બેનર લાગ્યા છે. આ ઉપરાંત બેનરમાં લખ્યું છે કે, સુરત લોકસભાનાં 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો અને જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો તેવા લખાણ લખવામાં આવ્યા છે. તો બીજી તરફ ચૂંટણી પ્રચાર માટે સરથાણા વિસ્તારમાં હોર્ડિગ્સ યથાવત્ રખાયા છે જેના પર સુરતનો સારથી નિલેશ કુંભાણી પણ જોવા મળી રહ્યું છે