જૂનાગઢ નું રાજકારણ ગરમાયું, ભાયાણી સામે કાર્યવાહી તો કિરીટ પટેલને ક્લિનચીટ

રાજ્યમાં ગરમી સાથે રાજકારણનો પારો પણ ઉપર જતો જોવા મળી રહ્યો છે. જ્યાં ભાજપ પોતાના નેતાઓના નિવેદનનો લઈ ડેમજ કંટ્રોલ કરી રહ્યા છે. પહેલા રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે વિરોધના વંટોળ ઠંડા પડ્યા નથી. તો બીજી બાજુ જૂનાગઢમાં બે નેતાઓ એક જ મંચ પર ભાન ભૂલ્યા હતા. નેતાના વિવાદીત નિવેદન લઈ ફરી કોંગ્રેસના ભાજપ પર તિખા પ્રહારો શરૂ થઈ ચૂક્યા છે.

શું છે નિવેદનનો વિવાદ?

જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધિત કરતાં આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ભૂપત ભાયાણીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ‘નપુંસક’ ગણાવ્યા હતા. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું ‘રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં’. આટલુ જ નહિં સભા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેની પટરાણીઓ વિશે વિવાદીત નિવેદન કર્યું હતું.

ભાજપ નેતા પર કાર્યવાહી

ભૂપત ભાયાણી અને કિરીટ પટેલ સામે ચૂંટણી તંત્રમાં આચારસંહિતા ભંગ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ આ અંગેનો રિપોર્ટ વિસાવદર એ.આર.ઓ.ને આપ્યો હતો. ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે વ્યક્તિગત નિવેદન જાહેરમાં આપ્યું હોવાથી આચારસંહિતાનો ભંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કોઇના પર વ્યક્તિગત નિવેદન કર્યું ન હોવાથી આ કિસ્સામાં આચારસંહિતા ભંગ લાગતો ન હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટ જિલ્લા નોડલ અધિકારીને મોકલવામાં આવ્યો છે. નોંધનિય છે કે અરજદારે જિલ્લા ભાજપ પ્રમુખને અપાયેલી ક્લીનચીટ સામે વાંધા અરજી કરી વિરોધ નોંધાવ્યો છે.