અમિતાભ બચ્ચનને “લતા દીનાનાથ મંગેશકર” એવોર્ડથી નવાજાયા

મુંબઈ: 24 એપ્રિલ 2024ના રોજ માસ્ટર દીનાનાથ મંગેશકરને તેમની 82મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.છેલ્લા 34 વર્ષની જેમ આ વર્ષે પણ માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન સંસ્થા તેમની યાદમાં ફિલ્મ, સમાજ અને કલા ક્ષેત્રો સાથે જોડાયેલા કલાકારોને સન્માનિત કરતી જોવા મળી છે. આ વર્ષનો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ બૉલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને એનાયત કરવામાં આવ્યો છે. બુધવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનને “લતા દીનાનાથ મંગેશકર” એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ઈવેન્ટમાં બિગ બીએ કહ્યું કે તેમના પિતા અને જાણીતા કવિ હરિવંશરાય બચ્ચન લતા મંગેશકરના અવાજની તુલના “મધની ધાર”સાથે કરતા હતા.

વર્ષ 2022માં સ્વર કોકિલા લતા મંગેશકરના નિધન બાદ તેમના પરિવાર અને ટ્રસ્ટે ગાયકની યાદમાં આ એવોર્ડની સ્થાપના કરી હતી. લતા મંગેશકરના ચારેય ભાઈઓ અને બહેનો સમારોહમાં હાજરી આપે છે અને એવોર્ડ પ્રદાન કરે છે.બિગ બીએ આ કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ આ એવોર્ડ પ્રાપ્ત કરતા ભાગ્યશાળી અનુભવે છે.

બિગ બીએ સમારોહમાં આપી સ્પીચ

અમિતાભ બચ્ચને હિન્દી સિનેમાને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. તેમની કારકિર્દીમાં તેમણે ‘ઝંજીર’, ‘દીવાર’, ‘ચુપકે-ચુપકે’, ‘બાગબાન’ અને ‘પીકુ’ સહિત અનેક ફિલ્મો માટે પ્રશંસા મેળવી છે. સન્માન પ્રાપ્ત કરવા પર બિગ બીએ કહ્યું,”આજે આ એવોર્ડ મેળવતા હું ભાગ્યશાળી અનુભવું છું. મેં ક્યારેય મારી જાતને આવી વસ્તુ માટે લાયક નથી માન્યો, પરંતુ હૃદયનાથજીએ ખૂબ જ પ્રયત્ન કર્યો કે હું અહીં આવી શકું. તેમણે મને ગત વર્ષે પણ આ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું,પરંતુ હું સમારોહમાં સામેલ થઈ શક્યો નહોતો.

બિગ બીએ ઉમેર્યુ કહ્યું,”હૃદયનાથ જી, હું છેલ્લી વખત તમારી માફી માંગુ છું. મેં તમને ત્યારે કહ્યું હતું કે મારી તબિયત સારી નથી.જ્યારે કે હું બિલકુલ ઠીક હતો,પણ અહીં આવવા માંગતો ન હતો.આ વર્ષે મારી પાસે કોઈ બહાનું નથી, તેથી મારે અહીં આવવું પડ્યું.”

આ સિવાય મ્યુઝિક ડાયરેક્ટર એ.આર. રહેમાનને માસ્ટર દીનાનાથ એવોર્ડ અને અભિનેતા રણદીપ હુડ્ડાને સ્પેશિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આશા ભોસલે સમારોહમાં ન થઈ શક્યા સામેલ

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં મંગેશકર પરિવારના લગભગ તમામ સભ્યો હાજર હતા,પરંતુ આશા ભોંસલેની ગરેહાજરી હતી. નાદુરસ્ત તબિયતના કારણે તે કાર્યક્રમમાં સામેલ થઈ શક્યા નહોતા.મંગેશકર પરિવારના ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરની ગાયિકા ઉષા મંગેશકરે બચ્ચનને એવોર્ડથી સન્માનિત કર્યા. અગાઉ મંગેશકરની બીજી બહેન અને પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે એવોર્ડ પ્રદાન કરવાનાં હતા.

આશા ભોસલેને 2023માં એવોર્ડ એનાયત

ઉલ્લેખનીય છે કે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ તરીકે ઓળખાતો આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્ર,તેના લોકો અને સમાજ માટે ઘણું યોગદાન આપ્યું હોય.ગત વર્ષે 2023માં આશા ભોસલેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ 2022માં સૌપ્રથમવાર આ સન્માન આપવામાં આવ્યું હતું.