વિશ્વમાં વૈજ્ઞાનિક શોધખોળ મામલે ભારત ત્રીજા સ્થાને

નવી દિલ્હીઃ વિશ્વભરમાં વિજ્ઞાન ક્ષેત્રે નિતનવા પ્રયોગો થઈ રહ્યા છે. દરેક દેશ ટેક્નોલોજી, વિજ્ઞાન અને મેડિકલ જેવાં ક્ષેત્રોમાં નવા લક્ષ્ય હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યો છે. પહેલાં સાયન્સમાં પશ્ચિમી દેશોની બોલબાલા હતી, પણ છેલ્લાં ચાર દાયકામાં એશિયાના દેશોએ પણ વિજ્ઞાન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ દેશો હવે પશ્ચિમી દેશો સાથે હરીફાઈ કરી રહ્યા છે. આટલું જ નહીં, એશિયન દેશોએ આ મામલે કેટલાય યુરોપિયન દેશોને પાછળ રાખ્યા છે. આ શ્રેણીમાં ભારત અને ચીન જેવા દેશો ઝડપથી હરણફાળ ભરી રહ્યા છે. અમેરિકી નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા આ વાતની પુષ્ટિ પણ કરે છે.

NSF દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 2018માં સાયન્સ અને એન્જિનિયરિંગના કુલ 2,555,959 લેખો પ્રકાશિત થયા છે. દસ વર્ષ પહેલાં આ આંકડો 1,755,850 હતો. છેલ્લા ચાર વર્ષમાં આ ક્ષેત્રે ચાર ટકાનો ગ્રોથ નોંધાયો છે. આ મામલે ચીન અને ભારતની પ્રગતિ શાનદાર છે. 2008માં અમેરિકા પહેલા ક્રમે હતો, તો 2018માં ચીન પહેલા પ્રમાંકે પહોંચી ગયું હતું અને ભારત ત્રીજા સ્થાને હતું, જ્યારે અમેરિકા બીજા ક્રમાંકે છે.

NSFના ડેટા અનુસાર ભારતમાં વર્ષ 2000માં 21,770 લેખ પ્રકાશિત થયા હતા, જેમાં સતત વધારો થતો રહ્યો છે. 2005માં એ વધીને 33,516 થયા હતા. 2010માં એ આંકડો વધીને 62,436 થયા હતા. 2015માં એ 1,01,813 થયા હતા અને 2018માં એ વધીને 1,35,788 થઈ ગયા હતા.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]