પિતાની યાદ આવતાં રડવું આવી ગયું: સિરાજ

સિડનીઃ આજે અહીંના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચના આરંભ પૂર્વે રાષ્ટ્રગીત વગાડાયું ત્યારે રડી પડેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે કહ્યું કે એને તેના સદ્દગત પિતાની યાદ આવતાં એની આંખો ભરાઈ આવી હતી. સિરાજના પિતા હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાને ગઈ 20 નવેમ્બરે અવસાન પામ્યા હતા. સિરાજ ત્યારે રાષ્ટ્રીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો હતો અને સૌ ક્વોરન્ટીન અવસ્થામાં હતા. પિતાની દફનવિધિ વખતે સ્વદેશ પાછા ફરવાનો એને વિકલ્પ આપવામાં આવ્યો હતો, પણ સિરાજે ક્વોરન્ટીનને કારણે બહુ સમય બરબાદ થાય એમ હોવાથી ઓસ્ટ્રેલિયામાં જ રહેવાનું પસંદ કર્યું હતું. હવે ટીમ ચાર-ટેસ્ટની શ્રેણી પૂરી થયા બાદ 19 જાન્યુઆરીએ સ્વદેશ પાછી ફરશે ત્યારે – પિતાના નિધનના લગભગ બે મહિના પછી સિરાજ એના પરિવારજનોને મળી શકશે.

(તસવીર સૌજન્યઃ Twitter)

દરમિયાન, આજે ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે વરસાદનું વિઘ્ન નડ્યું હતું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેને ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. દિવસને અંતે કારકિર્દીની પહેલી મેચ રમનાર વિલ પુકોવ્સ્કી (62) અને ડેવિડ વોર્નર (5)ની વિકેટના ભોગે 166 રન કર્યા હતા. માર્નસ લેબુશેન 67 અને સ્ટીવન સ્મીથ 31 રન સાથે દાવમાં હતો. સિરાજે વોર્નરને અને કારકિર્દીની પહેલી ટેસ્ટ રમતા ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ પુકોવ્સ્કીને આઉટ કર્યો હતો.