BMC સહિત 29 નગરપાલિકાઓ માટે મતદાન શરૂ

મુંબઈઃ  મહારાષ્ટ્રમાં 29 નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે અને તમામની નજર મુંબઈ પર કેન્દ્રિત છે. આર્થિક રીતે સમૃદ્ધ બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) પર શાસન મેળવવા માટે ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને ઠાકરેભાઈઓના ગઠબંધન વચ્ચે રસપ્રદ મુકાબલો થવાની શક્યતા છે.

893 વોર્ડની કુલ 2869 બેઠકો માટે મતદાન સવારે 7:30 વાગ્યે શરૂ થયું છે અને સાંજે 5:30 વાગ્યે પૂર્ણ થશે. કુલ 3.48 કરોડ મતદારો 15,931 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે. BMC ચૂંટણીમાં 227 બેઠકો માટે 1700 ઉમેદવારો મેદાનમાં છે. આ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ 74,000 કરોડ રૂપિયા છે.

મુંબઈ સિવાયની તમામ શહેરી સંસ્થાઓમાં બહુ-સભ્ય વોર્ડ પ્રણાલી અમલમાં છે. મતગણતરી આવતી કાલે 16 જાન્યુઆરીએ થશે.

આ વખતની BMC ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. 2022માં શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં પોતાની ગુમાવેલી રાજકીય પકડ ફરી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ વ્યૂહરચના હેઠળ તેમણે પોતાના કઝિન ભાઈ રાજ ઠાકરે સાથે હાથ મિલાવ્યો છે. બીજી તરફ, ગયા વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિના મજબૂત પ્રદર્શન બાદ ભાજપ–શિવસેના ગઠબંધનએ જ ગતિ જાળવી રાખીને BMCમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે ચૂંટણી મેદાનમાં ઊતર્યું છે.

નાના પાટેકરે મતદાન કર્યું

BMC ચૂંટણીમાં મતદાન કર્યા બાદ ફિલ્મઅભિનેતા નાના પાટેકરે જણાવ્યું હતું કે તેમના માટે મતદાન કરવું તેમના અસ્તિત્વ અને નાગરિક ફરજનો ભાગ છે. તેમણે કહ્યું હતું કે આ કારણસર જ તેઓ પુણેમાંથી લગભગ ત્રણ–ચાર કલાકનો પ્રવાસ કરીને મતદાન કરવા આવ્યા છે.

સચિન તેંડુલકરે મતદાન કર્યું

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર BMC ચૂંટણી માટે મતદાન કરવા મુંબઈના એક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા. તેમણે પત્ની અંજલિ સાથે મતદાન કર્યું હતું.