અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ઓસ્ટ્રેલિયા સામેની આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો બેટિંગ દેખાવ નિરાશાજનક રહ્યો છે. ટીમ 50 ઓવર પૂરી રમી, પણ માત્ર 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતના બેટર્સ પાસેથી દર્શકોએ અપેક્ષા રાખી હતી એવી ફટકાબાજી આજે જોવા ન મળી. ભારતના દાવમાં બે હાફ સેન્ચુરી જોવા મળી. વિકેટકીપર કે.એલ. રાહુલે 107 બોલ રમીને 66 રન (માત્ર 1 બાઉન્ડરી) કર્યા તો વિરાટ કોહલીએ 63 બોલ રમીને 54 રન (4 બાઉન્ડરી) કર્યા.
અન્ય બેટર્સનું યોગદાન આ મુજબ રહ્યુઃ
કેપ્ટન રોહિત શર્મા 47, શુભમન ગિલ 4, શ્રેયર ઐયર 4, રવિન્દ્ર જાડેજા 9, સૂર્યકુમાર યાદવ 18, મોહમ્મદ શામી 6, જસપ્રિત બુમરાહ 1, કુલદીપ યાદવ 10, મોહમ્મદ સિરાજ 9*.
ઓસ્ટ્રેલિયા વતી સૌથી સફળ બોલર રહ્યો મિચેલ સ્ટાર્ક. આ ફાસ્ટ બોલરે 10 ઓવરમાં 55 રન આપીને 3 વિકેટ લીધી. અન્ય બે ફાસ્ટ બોલર – કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડે 2-2 બેટરને આઉટ કર્યા તો બે સ્પિનર – ગ્લેન મેક્સવેલ અને એડમ ઝેમ્પાને ફાળે 1-1 વિકેટ આવી. કુલદીપ યાદવ છેલ્લા બેટર તરીકે રનઆઉટ થયો હતો.
પાંચ વખત વિજેતા બનેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બંને ટીમના કેપ્ટને સેમી ફાઈનલ મેચોમાં રમેલી એમની ટીમોને આજની મેચમાં યથાવત્ રાખવાનું પસંદ કર્યું હતું. રોહિત શર્માએ એનાઉન્સર રવિ શાસ્ત્રીને કહ્યું હતું, ‘હું ટોસ જીત્યો હોત તો પણ મેં પહેલા બેટિંગ પસંદ કરી હોત. પિચ બેટિંગ માટે સારી જણાય છે.’
ઓસ્ટ્રેલિયાએ સેમી ફાઈનલમાં સાઉથ આફ્રિકા પર 3-વિકેટથી વિજય મેળવ્યો હતો. 1983 અને 2011માં વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર ભારતીય ટીમે સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70-રનથી હરાવ્યું હતું.