નવી દિલ્હીઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશને પડકારતી મહારાષ્ટ્ર સરકાર તથા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અરજીઓ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે આજે ઈનકાર કરી દીધો છે.
ન્યાયમૂર્તિઓ સંજય કિશન કૌલ અને હેમંત ગુપ્તાની બેન્ચે કહ્યું કે, ‘આરોપ ગંભીર પ્રકારના છે અને આમાં જે વ્યક્તિઓ સંડોવાયેલી છે તે જોતાં આ કેસમાં નિષ્પક્ષ એજન્સી દ્વારા જ તપાસ કરાવવાની જરૂર છે… આ તો જનતાના વિશ્વાસને લગતી બાબત છે. મહારાષ્ટ્ર સરકારે જ્યારે તપાસ પંચની રચના કરી હતી એ વખતે દેશમુખે એમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું નહોતું. મુંબઈ હાઈકોર્ટનો આદેશ આવ્યો તે પછી જ એમણે રાજીનામું આપ્યું હતું, ત્યાં સુધી એ હોદ્દા પર ચોંટી રહ્યા હતા.’ સુપ્રીમ કોર્ટના જજોને મુંબઈ હાઈકોર્ટનો આદેશ યોગ્ય લાગ્યો હતો અને તેમણે વિરોધી પક્ષકારો (મહારાષ્ટ્ર સરકાર અને દેશમુખ)ની દલીલો સાંભળ્યા વિના જ એમની અરજીઓ ફગાવી દીધી હતી.