દેશભરમાં લોકડાઉન લાગુ નહીં કરાયઃ મોદી (મુખ્યપ્રધાનોને)

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ મહાબીમારીની બીજી લહેરમાં કેસની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી હોવાથી અનેક રાજ્યોએ મોટા શહેરોમાં નાઈટ-કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. તેમજ જ્યાં કેસોની સંખ્યા વધારે છે તેવા શહેર-જિલ્લાઓમાં ચેપ ફેલાતો રોકવા માટે સ્થાનિક સત્તાવાળાઓએ લોકડાઉન જેવા નિયંત્રણો લાગુ કર્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલા આંકડા અનુસાર, 8 એપ્રિલના રોજ ભારતમાં કોરોનાના નવા 1,26,789 કેસ નોંધાયા હતા. એ સાથે આ બીમારીના દર્દીઓનો કુલ આંકડો વધીને 1,29,28,574 થયો છે. ગઈ કાલે એક જ દિવસમાં આ રોગને કારણે 685 મરણ નોંધાયા હતા અને 59,258 દર્દીઓને હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા ગઈ કાલે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી અને એમાં તેમણે કહ્યું હતું કે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં નહીં આવે. મોદીએ એમ પણ કહ્યું હતું કે નાઈટ-કર્ફ્યૂને ‘કોરોના કર્ફ્યૂ’ તરીકે ગણવો જોઈએ, જેથી લોકોમાં આ રોગ વિશેની જાગૃતિ જળવાઈ રહે.