અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)ની ૪૮મી વાર્ષિક સાધારણ સભા (AGM) જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના નેતૃત્ત્વમાં યોજાઈ. આ બેઠકમાં ફૂટબોલ અને ફૂટસાલની રમતને વધુ ઊંચાઈ પર લઈ જવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરાયો.
ગુજરાતમાં હાલ ૧૮,૩૩૪ ફૂટબોલ ખેલાડીઓ નોંધાયેલા છે. જેમાંથી ૭,૩૬૩ સક્રિય ખેલાડીઓ છે અને ૪,૪૮૩ ખેલાડીઓએ વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. વર્ષ ૨૦૨૫-૨૬ના અહેવાલ મુજબ, ગુજરાતની શુભાંગી સિંઘે AFC U-20માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું. જ્યારે ખુશ્બુ સરોજ, તન્વી માવાણી અને રાધિકા પટેલે ભારતીય મહિલા ફૂટસાલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. પુરુષ ખેલાડીઓમાં વિશાલ દૂબે અને અમન શાહ કુવૈત ખાતે રમાયેલી AFC ફૂટસાલ ચેમ્પિયનશીપમાં દેશ વતી રમ્યા હતા.
GSFAના પ્રમુખ પરિમલ નથવાણીના મુખ્ય વિચારો:
- ગુજરાતમાંથી હવે માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ શક્તિસિંહ ચૌહાણ (FIFA કોચ એજ્યુકેશન ડિપ્લોમા) અને વિશાલ વાજા તેમજ રચના કામાણી જેવા ઇન્ટરનેશનલ કક્ષાના ઓફિશિયલ્સ પણ આગળ આવી રહ્યા છે જે ગૌરવની વાત છે.
- વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યમાં ઈન્ટર ડિસ્ટ્રીક્ટ, અસ્મિતા લીગ અને ટ્રાઈબલ ગેમ્સ સહિત ૩૦થી વધુ ટુર્નામેન્ટો યોજાઈ હતી.
- આવનારા સમયમાં ગુજરાતમાં ‘બીચ સોકર’ અને ‘ફૂટસાલ’ને વધુ વેગ અપાશે. જો વિવિધ કંપનીઓ તરફથી વધુ CSR ફંડ મળે, તો રાજ્યમાં ફૂટબોલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ શકે છે.
આ બેઠકમાં જી.એસ.એફ.એ.ના માનદ્ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમાએ આગામી વર્ષનું ફૂટબોલ કેલેન્ડર અને ઓડિટેડ હિસાબો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ઉપપ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, અરૂણસિંહ રાજપૂત અને ખજાનચી અંકિત પટેલ સહિત વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.






