મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મુદ્દે મહાવિકાસ આઘાડી સરકારના ઉદાસીન વલણ સામે વાંધો ઉઠાવ્યો છે અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કડક ભાષામાં પત્ર મોકલ્યો છે.
રાજ ઠાકરેએ એમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેને મોકલેલા પત્રમાં એ બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે કે કોરોના વાઈરસને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને તબક્કાવાર ઉઠાવી લઈ આર્થિક તથા સામાજિક પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે આદરેલી અનલોક પ્રક્રિયા અંતર્ગત શોપિંગ મોલ્સ ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે તો મંદિરોને શા માટે ખોલવા દેવામાં આવતા નથી.
રાજ ઠાકરેએ કહ્યું છે કે મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે રાજ્ય સરકાર શું ઊંઘી રહી છે અને હિન્દુઓની ધાર્મિક લાગણી સામે આંખ આડા કાન કરી રહી છે?
રાજ ઠાકરેએ એવી માગણી સાથે ચેતવણી ઉચ્ચારી છે કે મહારાષ્ટ્રમાં તમામ મંદિરોને ફરી ખુલ્લા મૂકવા જ પડશે, નહીં તો લોકો નિયંત્રણોનો અનાદર કરીને એમના ભગવાનના દર્શન કરવા માટે મંદિરોમાં કૂચ કરી જશે.
ઉલ્લેખનીય છે કે ઓલ ઈન્ડિયા મજલીસ ઈત્તેહાદુલ-એ-મુસ્લીમીન પાર્ટીના સંસદસભ્ય ઈમ્તિયાઝ જલીલ અને વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે પણ રાજ્યમાં ધાર્મિક સ્થળોને ફરી ખુલ્લા મૂકવામાં નહીં આવે તો આંદોલન કરવાની અલગ અલગ રીતે ધમકી આપી છે.
રાજ ઠાકરેએ એવો નિર્દેશ કર્યો છે કે અનલોક 1,2,3ની પ્રક્રિયામાં ઘણા નિયમોને હળવા બનાવવામાં આવ્યા છે. શોપિંગ મોલ્સને ફરી શરૂ કરાયા છે અને જાહેર સ્થળોએ, સાર્વજનિક કાર્યક્રમોમાં નિયમોના પાલન સાથે 100ની સંખ્યા સુધી લોકોને એકત્ર થવાની પરવાનગી આપવામાં આવી છે. તો પછી આપણા હિન્દુ શ્રદ્ધાળુઓને શા માટે એમના ભગવાનથી દૂર રાખવામાં આવી રહ્યાં છે. મંદિરો ફરી ખોલવામાં આટલી જડતા શા માટે રાખવામાં આવે છે? મંદિરોને અમુક નિયમો સાથે ફરી ખુલ્લા મૂકી શકાય.
કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તમામ ધાર્મિક સ્થળોને બંધ કરી દેવાનો જ્યારે સરકારે નિર્ણય લીધો હતો ત્યારે મહારાષ્ટ્રની જનતાએ એને પૂરા હૃદયથી ટેકો આપ્યો હતો. તે ઉપરાંત જન્માષ્ટમી, ગણેશોત્સવ સહિત તમામ મોટા તહેવારો-ઉત્સવોની ઉજવણીમાં પણ લોકોએ અત્યંત સંયમ જાળવ્યો અને નિયમોનું પાલન કર્યું. મંદિરોને ફરી ખુલ્લા મૂકવાનો પ્રશ્ન માત્ર શ્રદ્ધાળુઓની અવરજવરનો નથી, પરંતુ પવિત્રતાને લગતો છે, કારણ કે પૂજારીઓ ત્યાં પૂજા કરે છે, મંદિરની બહારની દુકાનો પૂજાનો સામાન વેચે છે, તેથી આ એક લઘુ ઉદ્યોગ ક્ષેત્ર છે, પરંતુ સરકાર આ બધા લોકોની આજીવિકાને ગણતરીમાં લેતી નથી.