કંગના વધારે ભડકી; મુંબઈની સરખામણી તાલીબાન સાથે કરી

મુંબઈઃ ‘બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ હક નથી’ એવી રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કમેન્ટ કર્યા બાદ કંગનાએ એનો વળતો જવાબ આપ્યો છે અને ટ્વિટર પર મુંબઈ શહેરની સરખામણી તાલીબાન સાથે કરી છે.

કંગનાએ એનાં વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે, ‘મારાં લોકતાંત્રિક અધિકારોને એ (દેશમુખ) કચડી નાખવા માગે છે… એક જ દિવસમાં PoKમાંથી તાલીબાન બની ગયું.’

કંગનાને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી, એની સામે કડક પગલું ભરવામાં આવશે, એવું દેશમુખને કથિતપણે કહેતા દર્શાવતી એક લિન્કને કંગનાએ શેર પણ કરી છે.

કંગનાએ મુંબઈ પોલીસની ટીકા કર્યા બાદ શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે એમ કહ્યું હતું કે કંગનાએ મુંબઈમાં પાછાં આવવાની જરૂર નથી. એના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે મુંબઈમાં PoK જેવી લાગણી કેમ થઈ રહી છે?

કંગનાની હિંમત

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઓચિંતા અને રહસ્યમય મોતથી એના પ્રશંસકો સહિત અનેક લોકોને આઘાત લાગ્યો છે અને એમાં એની સહ કલાકાર કંગના રણૌતનો પણ સમાવેશ થાય છે. સુશાંતના મૃત્યુએ ભારે વિવાદ સર્જ્યો છે. મુંબઈ પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું કે એણે આત્મહત્યા કરી હતી, પણ કંગના શરૂઆતથી જ સતત કહેતી રહી છે કે આ આત્મહત્યાનો નહીં, પણ આયોજનપૂર્વકની હત્યાનો મામલો છે.

કંગના હાલ હિમાચલ પ્રદેશમાં એનાં વતન મનાલીના ઘરમાં છે અને 9 સપ્ટેમ્બરે મુંબઈ પાછી ફરવાની છે.

પોતાને ધમકી આપવામાં આવ્યા બાદ ‘પંગા’ ફિલ્મની અભિનેત્રી કંગનાએ મુંબઈને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK) સાથે સરખાવતાં સોશિયલ મિડિયા પર એની ટીકા થઈ રહી છે.

ટ્વિટર પર કંગનાએ એનાં વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે, ‘હું આવતી 9 સપ્ટેમ્બરે મુંબઈ પાછી ફરી રહી છું, જોઉં છું મને કોણ અટકાવે છે.’

‘મેં જોયું છે કે મને મુંબઈ પાછી ફરતી રોકવા ઘણા લોકો ધમકી આપી રહ્યાં છે અને હવે મેં નક્કી કર્યું છે કે હું આ જ અઠવાડિયે – 9 સપ્ટેમ્બરે મુંબઈ જઈશ. મુંબઈ એરપોર્ટ પર પહોંચીને તરત જ હું ટાઈમ પોસ્ટ કરીશ… કિસી કે બાપ મેં હિંમત હૈ તો રોક લે…’ એમ આ બહાદુર અભિનેત્રીએ ટ્વીટમાં લખ્યું છે.

‘તનૂ વેડ્સ મનુ’ ફિલ્મની અભિનેત્રી કંગનાએ શિવસેનાના નેતા અને સંસદસભ્ય સંજય રાઉત પર આરોપ મૂક્યો છે કે એ પોતાને ખુલ્લી ધમકી આપે છે અને એને મુંબઈ પાછી ન ફરવા કહે છે.

કંગનાએ અગાઉ એમ કહ્યું હતું કે એને મુંબઈ પાછી ફરતાં ડર લાગે છે. એને હિમાચલ પ્રદેશ અથવા કેન્દ્ર સરકાર રક્ષણ આપે તો સારું, કારણ કે એને મુંબઈ પોલીસ પર જરાય વિશ્વાસ નથી. એ લોકો મૂવી માફિયા કરતાંય ખતરનાક લોકો છે. કંગનાએ એવો આક્ષેપ કર્યો હતો કે મુંબઈ પોલીસ ગુનાખોરીને અને પોતાની વિરુદ્ધ સોશિયલ મિડિયા પર દમદાટીને ઉત્તેજન આપે છે.