મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ પોતાને હસ્તક લીધી છે. આ કેસમાં હવે મુંબઈ પોલીસ વધારે કોઈ પ્રકારની તપાસ કરી નહીં શકે. એણે કેસને લગતા તમામ દસ્તાવેજો સીબીઆઈને સુપરત કરી દેવાના રહેશે.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુશાંત મૃત્યુ કેસ સીબીઆઈને સુપરત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને મુંબઈ પોલીસે આવકાર્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ પોલીસે સીબીઆઈના તપાસનીશ અમલદારોને કેસમાં મદદ કરવી પડશે, એ માટે તે બંધાયેલી છે. જોકે સીબીઆઈનું પોતાનું બહોળું નેટવર્ક છે અને એના અમલદારોની ટીમ મુંબઈમાં જ છે. તેઓ એમની પોતાની રીતે તપાસ કરશે અને મુંબઈ પોલીસ પાસેથી જરૂરી દસ્તાવેજો, માહિતી અને સુશાંતનો મોબાઈલ ફોન તથા અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિતની ચીજવસ્તુઓનો કબજો મેળવશે.
સીબીઆઈએ આજથી જ તેની તપાસનો આરંભ કરી દીધો છે.
સીબીઆઈની તપાસ ટીમ ચાર સભ્યોની છે જેમાં બે પુરુષ અને બે મહિલા છે – મનોજ શશીધર, અનિલ યાદવ, ગગનદીપ ગંભીર અને નુપૂર પ્રસાદ.
સુશાંતના મૃતદેહનું પોસ્ટ-મોર્ટમ કરનાર ડોક્ટરને પણ સીબીઆઈ અમલદારો મળશે અને વિલે પારલેની કૂપર હોસ્પિટલમાંથી રિપોર્ટ પણ મેળવશે.
આ કેસના સંબંધમાં કઈ કઈ વ્યક્તિઓની પૂછપરછ કરવી એની આ અમલદારો યાદી બનાવશે.