ગણેશોત્સવ પર ભારે વરસાદનું સંકટ; મુંબઈ, થાણેમાં એલર્ટ ઘોષિત

મુંબઈઃ આગામી ચાર-પાંચ દિવસો દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં મુસળધાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

મુંબઈ અને પડોશના થાણે શહેરમાં પણ વરસાદનું જોર વધારે રહેશે. એટલું જ નહીં, પણ ગણપતિબાપાના આગમનના દિવસ, 22 ઓગસ્ટના શનિવારે પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે.

આજે, 19 ઓગસ્ટથી બંગાળના અખાતમાં હવાનું નીચું દબાણ ક્ષેત્ર તૈયાર થવાની સંભાવના છે. એને કારણે આગામી 24 કલાકમાં વરસાદનું જોર વધારે તીવ્ર બનવાની સંભાવના છે. એ પછીના 3-4 દિવસો દરમિયાન હવાના નીચે દબાણનું ક્ષેત્ર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સંભાવના છે. એને લીધે જ આવનારા 4-5 દિવસો દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં સર્વત્ર મુસળધાર વરસાદ પડી શકે છે એવું વેધશાળાએ જણાવ્યું છે.

મોડકસાગર તળાવ છલકાયું; મુંબઈવાસીઓની મોટી ચિંતા દૂર

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાંનું એક, મોડકસાગર ભારે વરસાદને કારણે છલકાવા લાગ્યું છે. મુંબઈ શહેર અને શહેરીજનો માટે આ જળાશય જીવનવાહિની ગણાય છે. ચોમાસામાં આ સરોવર છલકાય તો મુંબઈ માટે આખું વર્ષ પીવાના પાણીની ચિંતા મહદ્દઅંશે દૂર થઈ જાય.

મોડકસાગર જળાશય મુંબઈની પડોશના થાણે જિલ્લાના શહાપુર તાલુકામાં આવેલી વૈતરણા નદી પર બાંધવામાં આવ્યું છે.

ગણપતિ વિસર્જન માટે દાદર, માહિમ ચોપાટી પર પ્રતિબંધ

મહાનગરપાલિકાએ આદેશ બહાર પાડ્યો છે કે દાદર અને માહિમ ચોપાટી ખાતે ગણેશભક્તોએ પ્રવેશ કરવો નહીં. ગણપતિ વિસર્જન માટે ગણપતિની મૂર્તિ મહાપાલિકાને સુપરત કરી દેવાની રહેશે. આ બંને ચોપાટી સ્થળ ગિરગાંવ ચોપાટીની સરખામણીમાં નાના હોવાથી ત્યાં ભાવિકોની ગીરદી ટાળવા માટે ગણપતિ વિસર્જન વખતે ત્યાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ ચોપાટી તરફ જતા રસ્તા પર લોખંડના માર્ગઅવરોધકો મૂકીને રસ્તા બંધ કરી દેવામાં આવશે. તેથી લોકોએ એમના ઘરમાં અથવા હાઉસિંગ સોસાયટીના પરિસરમાં અથવા મહાનગરપાલિકાએ તૈયાર કરેલા કૃત્રિમ તળાવોમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. આ બંને ચોપાટી ખાતે જવા માગતા ભાવિકોએ એમની ગણપતિ મૂર્તિઓ મહાપાલિકાને સુપરત કરી દેવાની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]