‘બિપરજોય’ને પગલે 155 કિમી ઝડપે પવન ફૂંકાશેઃ ભારે વરસાદની ચેતવણી

નવી દિલ્હીઃ અરબ સાગરમાં સર્જાયેલું શક્તિશાળી વાવાઝોડું ‘બિપરજોય’ 15 જૂને ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડું જખૌ બંદરે પહોંચે એવી શક્યતા છે.  આ વાવાઝોડાને પગલે પ્રતિ કલાક 155 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ‘બિપરજોય’ને પગલે રાજ્યમાં આગામી 24 કલાક હાઇ ટાઇડનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું હાલ આશરે 250 કિલોમીટર દૂર છે. ‘બિપરજોય’ ઉત્તર-પશ્ચિમ કરફ આગળ વધતાં 15 જૂનની સાંજે ગુજરાતના જખૌ બંદરની પાસેથી પસાર થશે. આ વાવાઝોડાને પગલે હવામાન વિભાગે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરતાં રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય’ને લઈને ગાંધીનગરમાં અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી હતી.

હવામાન વિભાગ મુજબ ‘બિપરજોય’થી ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લા સૌથી વધુ અસર થશે. ગુજરાતના તટે ટકરાવા દરમ્યાન 155 કિમી પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલશે. આ વાવાઝોડાને પગલે આ જિલ્લાઓમાં 20 સેન્ટિમીટરથી વધુ વરસાદ થવાની શક્યતા છે. જેથી નીચલા વિસ્તારોમાં પૂર આવવાની આશંકા છે.

આ વાવાઝોડાને પગલે અત્યાર સુધી 47,000થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. વીજ સપ્લાય પૂર્વવત્ કરવા માટે તત્કાળ 597 ટીમો તૈયાર કરવામાં આવી છે. આ વાવાઝોડાને પગલે અલગ-અલગ ઘટનાઓમાં અત્યાર સુધી સાત લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

સૌરાષ્ટ્રના કચ્છનાં 65 ગામોમાં વીજકાપ કરવામાં આવ્યો છે. અહીં 12,000થી વધુ થાંભલાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. જામનગર ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ અસર થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં પાંચ ઇંચ, દ્વારકાના ખંભાળિયામાં પાંચ, રાજકોટના ઉપલેટામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે રાજ્યના 10 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ અને 31 તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.