રૂપાલા અને રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનું વિવાદિત નિવેદન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જબરદસ્ત રીતે જામ્યો છે. ભાજપ દ્વારા 26 બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવા માટે ધુંવાધાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો વિશે કરાયેલા નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. તે ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો રાજા મહારાજાઓ પર જમીન પડાવી લેવાના નિવેદન અંગેનો એક વીડિયો પ્રકાશમાં આવ્યા બાદ મામલો વધારે ગરમ થયો છે. હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બળતામાં ઘી હોમ્યું હોય તેમ પટેલ અને ક્ષત્રિયોને હરખપદુડા કહીને વિવાદ જગાવ્યો છે.

ધાનાણીએ કહ્યું હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું

ગત રાત્રે રાજકોટ જિલ્લાના મચ્છાનગરમાં સભા સંબોધતા ધાનાણીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે આપણે ભાજપ નામનું બી વાવ્યું. પટેલિયાઓ અને બાપુઓ ભેગા થઈને ભાજપના બીને 10 ડોલ પાણી પાઈ રહ્યાં છે. 2015માં અમને ખ્યાલ આવ્યો ત્યારે વાહા ફાટી ગયા અને બધા સમાજોનો વારો આવી ગયો. બાપુઓ બચ્યા હતાં તો હવે ઝપેટે ચડી ગયાં છે. ધાનાણીએ કહ્યું હતું કે, હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું. હું રાજકોટમાં સાંસદ બનવા નહીં પણ સાથી બનવા આવ્યો છું.