PM મોદી આવશે માદરે વતન, જૂનાગઢમાં જ પ્રચંડ પ્રચાર કેમ?

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણી નજીક આવતાની સાથે તમામ પાર્ટીઓએ કમરકસી લીધી છે. તમામ પાર્ટીના કેન્દ્રીય નેતાઓ ઉમેદવારોના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. ત્યારે 1મે ના ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદી માદરે વતન આવશે. આગામી બે દિવસ PM ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે.

1 મેના રોજ PM મોદી બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બે જાહેર સભાઓને સંબોધશે. ડીસામાં યોજાનારી જાહેરસભામાં બનાસકાંઠા અને પાટણની લોકસભા બેઠકોને નિશાન બનાવવામાં આવશે. 2 મેના રોજ PM મોદી આણંદ, સુરેન્દ્રનગરના વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં જાહેર સભાઓને સંબોધશે. જ્યારે જૂનાગઢમાં પોરબંદર, અમરેલી અને જામનગરની લોકસભા બેઠકો માટે પ્રચાર કરશે.

જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા વિશે જો વાત કરીએ તો, ગત વિધાનસભા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસના મત ભેગા કરીએ તો તે ભાજપથી વધુ હતુ. પરંતુ આ વખતે તો આપ અને કોંગ્રેસ સાથે છે. આથી બંન્ને ભેગા થઈને ભાજપને કાંટે કી ટક્કર આપી રહ્યા છે. સામાન્ય રીતે PM નબળી બેઠક પર પ્રચાર અર્થે પહોંચતા હોય છે. હાલ સુધીમાં જૂનાગઢમાં કોઈપણ પાર્ટી પોતાનો ગઢ બાંધી શકી નથી. એટલે એવુ માની શકાય જૂનાગઢમાં કાંટાની ટક્કર છે. 2017માં વિધાનસભા ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને લઈ કોંગ્રેસને આ બેઠક પર સફળતા મળી હતી. જો કે બાદ 2019ની લોકસભા ચૂંટણી સમયે PM મોદી પ્રચાર માટે જૂનાગઢ પહોંચ્યા હતા. જેના પગલે ભાજપને જૂનાગઢમાં સફળતા મળી હતી. 2022ની વિધાનસભા પ્રમાણે જોવા જઈએ તો આપ અને કોંગ્રેસના મત સામે ભાજપનું વર્ચસ્વ નબળું પડી રહ્યું છે. જેથી ફરી ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક જૂનાગઢમાં જન સભાને સંબોધન કરશે. જ્યારે જૂનાગઢમાં રોડ શોનું આયોજન થવાની પણ સંભાવના છે.

જૂનાગઢ લોકસભામાં કુલ 19,66,616 મતદારો છે. જેમાં કોળી સમાજના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચ સમાજના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે.