ક્યા ખૂબ લગતી હૈ યે ફિલ્મ…

મુંબઈની જેલમાં એક કેદીને ફાંસીની સજા અપાઈ રહી છે. કેદીના આખરી વક્તમાં પાદરી (પી. જયરાજ) બાઈબલનો પાઠ વાંચી રહ્યા છે, કેદી ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો છે. અચાનક જેલનો સીન કટ થાય છે ને કૅમેરા વગદાર બિઝનેસમૅન ધરમદાસ (પ્રેમનાથ)ની આલીશાન ઓફિસ પણ મંડાયો છે. એક હાથમાં ફોનનું રિસીવર પકડી, બીજા હાથે પેપરવેઈટ રમાડતાં ધરમદાસ ગવર્નર (કૃષ્ણકાંત-કે.કે.)ને ફોન પર ફાંસી અટકાવવાની વિનંતી કરી રહ્યા છેઃ “યૉર એક્સલન્સી, જો આ ફાંસી આપવામાં આવી તો… કાનૂન ઔર ઈન્સાફ કે નામ પર બહુત બડા દાગ લગેગા.” ફરી કારાગૃહનું દશ્ય. જલ્લાદ કેદીને લટકાવવા લીવર ખેંચી જ રહ્યો હોય છે ત્યાં એક અફસર દોડતો આવે છેઃ “જેલર સાહેબ, ગવર્નરનો ફોન છે, ફાંસી આપવાની નથી”… પરસેવે રેબઝેબ કેદી પાદરીના ગળામાં લટકતા ક્રૉસને ચુંબન કરે છે. કટ ટુ શેઠ ધરમદાસ. પરદા પર એની પૂંઠ દેખાય છે. રિવોલ્વિંગ ચેરને ટર્ન આપી એ પ્રેક્ષક સમક્ષ આવે છે. એના ચહેરા પર મંદ સ્મિત છે. એ ચેરમાંથી ઊભા થાય છે કે તરત એનો સેક્રેટરી (ઈફ્તેખાર) સિગાર સળગાવી આપે છે. ધડામ્ ધડામ્ મ્યુઝિક: “ફિરોઝ ખાન પ્રેઝન્ટ્સ- પ્રેમનાથ ઈન ઍન્ડ ઍઝઃ ધર્માત્મા”.

સુપરડુપર હિટ ‘ધર્માત્મા’એ ગયા અઠવાડિયે પચાસમા વર્ષમાં શાનદાર પ્રવેશ કર્યો અને એ સાથે કંઈકેટલી સ્મૃતિઓ માનસપટ પર ઊપસી આવી. બનેલું એવું કે 1972ના માર્ચમાં અમેરિકામાં ‘ધ ગૉડફાધર’ નામની એક ફિલ્મ રિલીઝ થઈ, જે ફિરોઝ ખાને અમેરિકામાં જોઈ. ભારત પરત આવી એમણે એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. કથા-પટકથા-સંવાદ લખવાનું કામ એમણે કૌશલ ભારતીને સોંપ્યું… વેઈટ અ મિનિટ. 1975ની ડઝનબંધ હિટ ફિલ્મોમાંની એક એવી ‘ધર્માત્મા’ના સર્જન સાથે સંકળાયેલી કેટલીક મસ્સાલેદાર માહિતી વન-બાય-વન જોઈએઃ

* શરૂઆતમાં ફિલ્મની વાર્તા કંઈ જુદી હતી. હીરો તરીકે ફિરોઝ ખાને તે વખતના સુપરસ્ટાર રાજેશ ખન્નાને લેવાનું નક્કી કરેલું. જિપ્સી ગર્લ રેશ્મા (હેમામાલિની)ના અફઘાની પ્રેમી ઝંગૂરાનો રોલ ફિરોઝ ખાન કરવાના હતા. ઝીનત અમાનને રાજેશ ખન્નાની ભારતીય પ્રેમિકા નક્કી કરવામાં આવેલી.

* ઝીનતે એમ કહીને ના પાડી દીધી કે “હીરોઈન હેમામાલિની છે, સાઈડ રોલ હું નહીં કરું”. તે પછી ફિરોઝને લાગ્યું કે પિક્ચર હિટ થશે તો બધી ક્રેડિટ રાજેશ ખન્ના લઈ જશે એટલે એમને સાઈડમાં રાખી એમણે જ હીરો બનવાનું નક્કી કર્યું. ઝીનતની જગ્યાએ રેખા આવી. ઝંગૂરાનો રોલ ડેનીને આપવામાં આવ્યો, જેના કારણે એમણે ‘શોલે’નો ગબ્બરનો રોલ છોડવો પડ્યો, કારણ કે ઝંગૂરાવાળો પાર્ટ અફઘાનિસ્તાનમાં શૂટ કરવાનો હતો. મુંબઈ હોત તો બે ફિલ્મ એમણે મૅનેજ કરી હોત.

* કલાકારો બદલાયા એટલે વાર્તા બદલાઈઃ ધરમદાસ અથવા ધર્માત્મા (પ્રેમનાથ)નો એકમાત્ર દીકરો રણવીર (ફિરોઝ ખાન) વિદેશમાં ભણીગણીને પરત આવે છે, એને બાપના કાળા ધંધાથી નફરત છે. એ ઝઘડો કરીને અફઘાનિસ્તાન જતો રહે છે, જ્યાં પારિવારિક સ્નેહીજન … (મદન પુરી)ને ત્યાં નોકરી કરે છે. સંજોગવશાત્ રણવીરે અફઘાનિસ્તાનથી ઈન્ડિયા આવી જવું પડે છે ને પિતાના બિઝનેસનાં સૂત્રો સંભાળી લેવા પડે છે.

* ‘ધર્માત્મા’માં ડેનીનો રોલ એટલો મોટો નહોતો, તો ‘શોલે’ છોડવાની શું જરૂર હતી? કારણ કે મૂળ વાર્તામાં પ્રેમિકા (રેશ્મા) અને પિતા (ધર્માત્મા)ની હત્યાનો બદલો લેવા નીકળેલા રણવીરને સાથ આપવા ઝંગૂરા અફઘાનિસ્તાનથી મુંબઈ આવે છે ને છેક સુધી સાથે રહે છે. પણ ફિરોઝ ખાનને લાગ્યું કે આમાં ઝંગૂરાના કૅરેક્ટરને અકારણ મહત્વ મળી જશે, પ્રેક્ષકનું ધ્યાન ફંટાઈ જશે એટલે એમણે ઝંગૂરાને અફઘાનિસ્તાનમાં જ છોડી દીધો.

* ઘણાએ ફિરોઝ ખાનને સલાહ આપેલી કે “હીરોઈન (હેમામાલિની)ને અધવચ્ચે મારી નાખશો તો ફિલ્મ નહીં ચાલે”. જીપમાં ફિટ કરેલો બૉમ્બ ફાટવાથી હેમા મરી જાય છે એ સીનથી ફિરોઝ ખાન પ્રેક્ષકને શૉક આપવા માગતા હતા. બન્યું પણ એમ જઃ હેમાના મોતના સીનથી પ્રેક્ષકને જબરદસ્ત આંચકો લાગે છે, ઉત્કંઠા વધી જાય છે, ફિલ્મની ગતિ ફાસ્ટ થઈ જાય છે. પ્રેક્ષક ધી એન્ડ સુધી ખુરશી સાથે ચોંટી રહે છે.

* ફિલ્મમાં ધર્માત્માના દુશ્મન અનોખે લાલ (જીવન) અને એનો ભાઈ બિરાદર કે બ્રદર (સત્યેન કપ્પુ) તથા બન્નેના દીકરા (રણજિત અને સુધીર) છે. ફિરોઝ ખાન સાથે પોતાના રોલ વિશે ચર્ચા કરી સત્યેન કપ્પુ ઓફિસની બહાર નીકળ્યા ત્યારે એમની મૂંઝવણ એ હતી કે જીવન મારો જોડીદાર હોય છે તો મને કોણ જોશે? કેમ કે જીવનનો પોતાનો એક ખાસ અંદાજ હતો. ત્યાં રસ્તા પર એમણે એક આધેડ વયની વ્યક્તિ જોઈ, જેના ગળામાં કોલર બેલ્ટ હતો. એમણે ફરી ઓફિસમાં જઈને ફિરોઝ ખાનને કહ્યું કે “હું ગળામાં સર્જિકલ પટ્ટો પહેરીને અલગ અવાજમાં સંવાદ બોલું તો ચાલે”? ફિરોઝે મંજૂરી આપી. અને પ્રેક્ષકને સત્યેનનું કૅરેક્ટર, અભિનય યાદ રહી ગયાં.

ધરમદાસ તરીકે પ્રેમનાથને સાઈન કર્યા બાદ ફિરોઝ ખાને એમની ‘બેઈમાન’ જોઈ અને એમનું હૈયું બેસી ગયું. એમણે કહ્યું, “ભાઈ પ્રેમનાથ, મને આટલી ઓવર એક્ટિંગ નહીં ચાલે. તમારું કેરેક્ટર મુંબઈના મટકાકિંગ રતન ખત્રી પર આધારિત છે. ” પ્રેમનાથ રતન ખત્રીને મળ્યા. એની બોલવા-ચાલવાની ઢબ, હાવભાવ નોંધીને ઠરેલ-ધીર-ગંભીર રહીને ધર્માત્માની ભૂમિકા ભજવી. ‘ધર્માત્મા’ પ્રેમનાથની કારકિર્દીની કેટલીક બેસ્ટ ફિલ્મમાંની એક બની રહી.

સિનેમેટોગ્રાફર કમલ બોઝે આ પહેલાં ફિરોઝ ખાનની ‘અપરાધ’ તથા જર્મનીમાં દિલધડક કારરેસના સીન્સ શૂટ કરેલાં. ‘ધર્માત્મા’માં અફઘાનિસ્તાનની બુઝકશીની ખતરનાક રમત શૂટ કરવી બહુ જોખમી હતી. કમલ હાથમાં કેમેરા ઝાલીને પવનવેગે દોડતા પાણીદાર અશ્વોનાં ટોળાં વચ્ચે ઊભા રહ્યા. ફિરોઝ ખાને પાછળથી પકડી, એમને ઈજા ન થાય એનું ધ્યાન રાખ્યું. આમ છતાં કમલ બોઝનાં કોણી-ઘૂંટણ છોલાયેલાં.

30 એપ્રિલ, 1975ના ‘ધર્માત્મા’ રિલીઝ થઈ ને બોક્સ ઓફિસના ભુક્કા કાઢી નાખ્યા. સદનસીબે ‘ધ ગોડફાધર’ હજી સુધી ભારતમાં રિલીઝ થઈ નહોતી. ફિરોઝ ખાનનો અભિનય એમનું ડિરેક્શન જોરદાર હતાં. દરેક સીનની પહેલાં ફિરોઝનું બિલ્ટઅપ કમાલનું હતું. ‘દો ગઝ જમીન કે નીચે’થી જાણીતા થયેલા રંગભૂમિના કલાકાર ઈમ્તિયાઝ ખાન (ધરમદાસનો વિશ્વાસઘાતી જમાઈ), ફરીદા જલાલ (ધરમદાસની પુત્રી), સુલોચના (ધરમદાસની પત્ની), દારાસિંહ (ધરમદાસનો બોડીગાર્ડ), વગેરે કલાકારોએ પોતપોતાનું યોગદાન આપ્યું.

ફિલ્મ પર સેન્સરે જબરી કાતર ચલાવેલી. ખાસ તો રણજિત-સુધીર ઝહીરા પર રેપ કરે છે એ સીન ફિરોઝ ખાને ખાસ્સો લાંબો શૂટ કરેલો, પણ સેન્સરે એ કાપવા કહ્યું. અમુક કેબ્રે ડેન્સ તથા હિંસાનાં દશ્યોમાં કાપકૂપ સાથે ‘ધર્માત્મા’ને એડલ્ટ્સ ઓન્લીનું સર્ટિફિકેટ મળેલું.

‘ધર્માત્મા’ની સફળતામાં ઈન્દિવરનાં ગીત, કલ્યાણજી-આણંદજીનાં સ્વરાંકન-બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો મહત્વનો ફાળો હતો. “તેરે ચેહરે મેં વો જાદુ હૈ”… “તુમને કિસી સે કભી પ્યાર કિયા હૈ”… “ક્યા ખૂબ લગતી હો”, “મેરી ગલિયોં સે લોગોં કી યારી હો ગઈ”…

1975નું વર્ષ હિંદી સિનેમા માટે શુકનવંતું રહ્યું. કેવી કેવી ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ? ‘ધર્માત્મા’, ‘અમાનુષ’, ‘આંધી’, ‘જુલી’, ‘દીવાર’, ‘ચુપકે ચુપકે’, ‘જય સંતોષી મા’, ‘મિલી’ વગેરે અને… ઐતિહાસિક ‘શોલે’.