કેવો છે ભોજપુરી ભીખુ મ્હાત્રે?

ગોવિંદ નિહલાનીની દ્રોહકાલ, શેખર કપૂરની બેન્ડિટ ક્વીન અને રામગોપાલ વર્માની સુપરહિટ સત્યાથી, લઈને ગૅન્ગ્સ ઑફ વસેપુર અને ફૅમિલી મૅન (વેબસિરીઝ) સુધીની ફિલ્મસફરમાં મનોજ બાજપાઈ એની કરિયરની 100મી ફિલ્મ સાથે હાજર છેઃ ભૈય્યાજી. આ ફિલ્મે કેવી રીતે આકાર લીધો એ હું કલ્પી શકું છું- 135 મિનિટની વાર્તા ડિરેક્ટર અપૂર્વસિંહ કાર્કી અને એમના રાઈટર ઢગલાબંધ તેલુગુ મસાલા મૂવી જોઈને લખવા બેઠા હશે. પછી એમણે સોચ્યું હશે કે, મનોજ બાજપાઈને આપણે પુષ્પા રાજ (અલ્લુ અર્જુન) કે રૉકી ભાઈ (કેજીએફનો હીરો યશ) જેવો દેખાડીએ તો? બીડી ફૂંકતો ફૂંકતો સ્લો મોશનમાં આવે, ચહેરા પર ઠંડી ક્રૂરતા હોય, છાતીમાં વાટીકૂટીને ભરેલો આત્મવિશ્વાસ… બોલો? સાંભળીને એમના મળતિયાઓએ એકમેકને તાળી દઈને કહ્યું હશેઃ અફલાતૂન આઈડિયા. ને લો, બની ગઈ ભૈય્યાજી.

સીતામઢીમાં વસતા રામચરણ ઉર્ફે ભૈય્યાજી (મનોજ બાજપાઈ)નો ગામમાં ભારે રુઆબ છે. એક સમય હતો, જ્યારે ભૈય્યાજી હાથમાં પાવડો લઈને ભલભલાનાં માથાં ભાંગી નાખતા, એમનું નામ સાંભળીને પોલીસનાં ખાખી પૅન્ટ ભીનાં થઈ જતાં (એવું આપણને બતાવવામાં આવે છે). પણ હવે એ શાંત છે. ફિલ્મ ઓપન થાય છે રામચરણના મેરેજની તૈયારી સાથે. એમની વૂડ બી વાઈફ મીતાલી (ઝોયા હુસૈન) નૅશનલ રાઈફલ શૂટર રહી ચૂકી છે. દિલ્હીમાં પઢાઈ કરતો ભૈય્યાજીનો યુવા બ્રદર વેદાંત  (આકાશ મખીજા) લગનમાં મહાલવા બે મિત્રો સાથે નીકળે છે. દિલ્હી સ્ટેશન પાસે મોડી રાતે અમુક ગુંડાઓ સાથે એને માથાકૂટ થાય છે એમાં માથાભારે રાજકારણી ચંદ્રભાણસિંહ (સુવીંદર વિકી)ની બિગડેલી ઑલાદ અભિમન્યુ (જતીન ગોસ્વામી) વેદાંતનું મર્ડર કરી કાઢે છે. 12મા, 13માની વિધિ બાદ રામચરણ એનું અસ્સલ ભૈય્યાજીનું રૂપ ધારણ કરી દિલ્હી પહોંચે છે પ્રતિશોધ એટલે વેર વાળવા. તે પછીની વાર્તા અથવા ફિલ્મમાં હવે શું થશે એ તમે આસાનીથી કલ્પી શકો.

ફિલ્મના ડિરેક્ટર અપૂર્વસિંહ કાર્કીએ આ પહેલાં મનોજ ભૈય્યાને લઈને સિર્ફ એક બંદા કાફી હૈ બનાવેલી. અપૂર્વની મુશ્કેલી છે નબળો સ્ક્રીનપ્લે (દીપક કિંગરાણી). આરંભમાં એવું લાગે કે, એક સરસમજાની જકડી રાખતી ફિલ્મ જોવા મળશે, પણ બે-ચાર તીન બાદ ધારણા ખોટી પડે છે. ઈન્ટરવલ પહેલાંનો મેલોડ્રામા માંડ સહન થાય છે, ઈન્ટરવલ પછી ફિલ્મ ચોવીસમા માળેથી ભફાંગ ભફાંગ પટકાતી જાય છે. એક પછી એક નબળા સીનની જાણે હારમાળા રચાય છે, પટકથામાં મોટાં મોટાં બાકોરાં દેખાવા માંડે છે. પાતળી કાઠીનો અને ઘવાયેલો ભૈય્યાજી બીડી ફૂંકતો ઊડાઊડ કરે છે, એકસાથે દસેક જણાનાં હાડકાં-ખોપરી ને પ્લાયવૂડનાં ફર્નિચર ભાંગે છે, ફિલ્મ સચ્ચાઈ, તર્કથી જોજનો દૂર જવા માંડે છે. બિહાર-દિલ્હીની ભૂગોળની પણ ઘોર અવગણના કરવામાં આવી છે. જેની જ્યારે ઈચ્છા થાય ત્યારે મોટરમાં બેસીને બિહારથી દિલ્હી (આશરે વીસ કલાક) પહોંચી જાય.

રણબીર કપૂરની ઍનિમલની જેમ આમાં પણ પોલીસ જેવો કોઈ પ્રકાર નથી. હા, એક સિનિયર પુલીસ અફ્સર (વિપિન શર્મા) વચ્ચે વચ્ચે દેખા દે છે, પણ એ કોમિક રિલીફથી વિશેષ કંઈ નથી. મનોજ બાજપાઈ ઉપરાંત માથાભારે ગુજ્જર નેતાની ભૂમિકામાં સુવિન્દર વિકી, ભૈય્યાજીની સાવકી માઁ, છોટી અમ્માની ભૂમિકામાં અભિનેત્રી ભાગીરથી બાઈ કદમ તથા ઈન્ટરવલ પછી ભૈય્યાજી સાથે વૉરમાં જોડાતી ઝોયા હુસૈન છાપ છોડી જાય છે. સંદીપ ચૌટાનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વાર્તાને અનુરૂપ, પણ વધારે પડતું લાઉડ છે.

આ ફિલ્મ સ્ટ્રિક્ટલી મનોજ બાજપાઈના ફૅન તથા બુદ્ધિ-તર્કવિહોણી ઍક્શન મૂવીના પ્રેમીઓ માટે છે. ભૈય્યાજી આજે (24 મેએ) થિએટરમાં રિલીઝ થઈ છે.