મુંબઈ:1008 આયંબિલ તપ કરનારાં પરમ સૌમ્યાજી મહાસતીજીને વર્લ્ડ રેકૉર્ડ એનાયત

મુંબઈ: વિલે પાર્લેમાં દેશ અને વિદેશમાં તપ ધર્મ-સંયમ સાથે તપ કરનારાં પરમ સૌમ્યાજી મહાસતીજીનાં પારણાંનો અવસર મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવ હજારો ભાવિકોની હાજરીમાં ઉજવાયો હતો. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વિલેપાર્લે સ્થિત માલીનીબેન કિશોરભાઈ સંઘવી શાંતિપ્રભા હોલ,ઋતંભરા વિશ્વવિદ્યાલય ખાતે શ્રી વિલેપાર્લે વર્ધમાન સ્થાનક જૈન શ્રાવક સંઘના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે 70થી વધુ સંત-સતીજીઓ, રાજકીય મહાનુભાવો, ભારતના અનેક ક્ષેત્રોના અનેક સંઘો, તેમજ હજારો ભાવિકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ તેમજ વિદેશના 170થી વધુ ક્ષેત્રોના લાઈવના માધ્યમે લાખો ભાવિકો ભેગા થયા હતાં.

સી.વી. શાહ પરિવારના આંગણેથી પ્રારંભ થયેલી તપ અનુમોદના યાત્રા અને મહાભિનિષ્ક્રમણ યાત્રા મહાતપસ્વી આત્માનો અને મુમુક્ષુ આત્માનો જયકાર ગજાવતી ઋતંભરા વિશ્વવિદ્યાલય ખાતે પધારી હતી, જ્યાં મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવ યોજાયો હતો.આ અવસરે શ્રી લોકેશમુનિ મહારાજ,શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ, હિન્દુ ધર્મ આચાર્ય સભાના જનરલ સેક્રેટરી સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી અને બૌદ્ધ પંથ ભંતે દિપાંકર સુમેધોજી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉપસ્થિત જન સમુદાયને સંબોધન કરતાં પરમ ગુરુદેવે જણાવ્યું હતું કે, હે પ્રભુ! મને તમે મળ્યાં, તમારી સમજ મળી, તમારું જ્ઞાન મળ્યું છતાં તમને પામ્યાં વિના આ ભવ વ્યર્થમાં વિતાવી દીધો. આ દીક્ષાર્થી સંયમ લઈને તરી ગયાં અને અમે રહી ગયાં! એવો અફસોસ કરવાનો આ અવસર તે દીક્ષા મહોત્સવ છે. આ અવસરે મુમુક્ષુ શ્રી યશ્વીદીદી નંદુએ સંસાર જીવનનું અંતિમ વક્તવ્ય આપીને સહુને મળેલાં આ મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણને ધર્મ સાધનાથી સાર્થક કરી લેવાની પ્રેરણા આપી હતી.

ડુંગર દરબારના શામિયાણામાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અખંડ 1008 આયંબિલ તપની ઉગ્ર આરાધના કરનારાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબનાં સુશિષ્યા મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીને વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.જૈન સમાજના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક એવી 1008 આયંબિલ તપ આરાધિકા પૂજ્ય મહાતપસ્વી મહાસતીજીને સાધ્વીજીઓ દ્વારા ડોલીમાં બિરાજમાન કરીને લાવવામાં આવ્યા બાદ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સહુના હૃદયમાંથી ઉદભવતી અહોભાવના વચ્ચે લાખો ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવેલી સાકરના જળના મહાપાત્રમાંથી સંઘપતિ અર્હન મનન પરાગભાઈ શાહ,લકી ડ્રો વિજેતારી દામાણી પરિવાર અને કરિયાવર હસ્તે મહાતપસ્વી મહાસતીજીને સાકર જળ વ્હોરાવવામાં આવતા હર્ષ હર્ષ છવાયો હતો.

ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ, સુરેશભાઈ કામદાર, જીગ્નેશભાઈ વોરા અને માનસી બેન પરાગભાઈ શાહના હસ્તે મહાતપસ્વીને શાલ અર્પણ કરી તપ સન્માન કરવામાં આવ્યું હતું.મહાતપોત્સવ- દીક્ષા મહોત્સવનો સમગ્ર લાભ સંઘપતિ મનનભાઈ પરાગભાઇ શાહ પરિવારે લીધો હતો. આ અવસરના સ્વામી વાત્સલ્ય ભોજનનો લાભ માલિનીબેન કિશોરભાઈ સંઘવી પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો.

 

આમ, પારણાંના આ અવસરે અખંડ 1008આયંબિલ તપ આરાધિકા મહાતપસ્વીના પારણાએ જૈન દર્શનના ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ નોંધાવતા એમને “વર્લ્ડ રેકોર્ડ” એનાયત કરાયો. આયંબિલમાં પ્રાયઃ એકાસણાની (સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે એક સમય ખાવું) આરાધના કરવામાં આવે છે. તે સિવાય એકાસણામાં બનતા ભોજનમાં વિગય એટલે કે શરીરમાં વિકાર ઉત્પન્ન કરે તેવા અન્નનો ત્યાગ કરવામાં આવે છે અને સાદો બાફેલો તથા શેકેલો આહાર લેવામાં આવે છે. આ અન્નની બનાવટમાં સમુદ્રી મીઠું વપરાતું નથી. આ સાથે જ મુમુક્ષુ યશ્વીદીદીનું નૂતનદીક્ષિત પરમ નેમપ્રિયાજી મહાસતીજી નામકરણ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ મેડિકલ સહાય અર્થે વિલે પાર્લે સંઘને બે કરોડ અર્પણ કરવામાં આવ્યા.