પીછેહઠઃ શું રાજકોટથી ઉમેદવાર બદલવાની તૈયારીમાં ભાજપ?

રાજકોટઃ રાજ્યમાં રૂપાલા વિવાદ શાંત પડવાનું નામ નથી લેતો. પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત્ છે.રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજ પાસે ત્રણ વાર માફી પણ માગી લીધી છે, પરંતુ ક્ષત્રિયો ટસના મસ નથી થતા. ક્ષત્રિય સમાજ રાજ્યનાં વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. દ્વારકાના આખેઆખા ભાતેલ ગામે પરસોતમ રૂપાલાનો વિરોધ કર્યો છે. તેમણે ગામની બહાર જ એક બોર્ડ માર્યુ છે. જેમાં તેમણે ચીમકી ઉચ્ચારી છે કે છે કે રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કાર્યક્રમો જારી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના મોરથરામાં ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. જેમાં ૧૫ યુવકોની  અટકાયત કરવામાં આવી હતી. ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં ભાજપના કાર્યક્રમમાં પહોંચી જઈને પણ ક્ષત્રિય યુવાનોએ હંગામો કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત માંડવીના તલવાણામાં ભાજપના પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યાં છે.

બીજી બાજુ, રૂપાલાનું ભાવિ હવે વડા પ્રધાન નક્કી કરશે. રૂપાલાની ટિપ્પણી અંગેનો વિવાદ શાંત પાડવામાં ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના આગેવાનો નિષ્ફળ ગયા છે. હવે આ મામલો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યો છે અને રૂપાલા મામલે મોદી જ અંતિમ નિર્ણય લેશે. રૂપાલા મામલે ક્ષત્રિયોનો રોષ હવે બીજા રાજ્યોમાં પણ પ્રસરે તેવી બીક ભાજપને છે. જેથી હવે વડા પ્રધાન મોદી અને દેશના ગૃહ મંત્રી અમિત શાહ આ મામલે કોઈ સમાધાન કરાવે તેવી શક્યતા છે.

ભાજપ આ વખતે પણ દેશમાં 400 સીટ અને ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠકો જીતવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂક્યો છે ત્યારે રૂપાલાના વિવાદથી ભાજપની ચિંતા વધી ગઈ છે.

છેલ્લી પરિસ્થિતિ પ્રમાણે ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની વાત પર અડગ છે. રવિવારે પણ ગાંધીનગરમાં હર્ષ સંઘવીના નિવાસસ્થાને ક્ષત્રિય નેતાઓની મિટિંગ મળી હતી, તેમાં CM ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદીપ સિંહ જાડેજા, આઈ કે જાડેજા, જયરાજ સિંહ પરમાર, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવ સિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર હતા. તેમણે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ સપ્તાહમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી વકી છે.