ચૈત્ર નવરાત્રિએ મોરારીબાપુનું આદિવાસી વિસ્તારમાં કથાનું આયોજન

સુરત: મોરારીબાપુની રામકથાનું આયોજન આ વખતે ચૈત્રી નવરાત્રી દરમિયાન ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ખાંડા ગામમાં કરવામાં આવ્યું છે. મોરારીબાપુએ ધરમપુર-કપરાડા વિસ્તારમાં પ્રથમ વખત કથાનું આયોજન કર્યુ છે.ખાંડા ગામ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. સત્ય – પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ લઈને મોરારીબાપુ અહીં આવ્યા છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન એટલે કે આગામી 9મી એપ્રિલથી 17મી એપ્રિલ સુધી તેઓ નવ દિવસ અહીં રામકથા કરવાના છે. રામકથા દરમિયાન દરેક માટે પ્રભુપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.ખાંડા અને આસપાસના ગ્રામજનોએ ઉત્સાહ અને ભક્તિપૂર્વક જહેમત ઉઠાવી કથા સ્થળ, પાર્કિંગ, રસોડાની વ્યવસ્થા માટેની જગ્યાઓ તૈયાર કરી છે. આ કથાના નિમિતમાત્ર યજમાન અને કથા મનોરથી જગદીશભાઇ – વીણાબેન પટેલ તથા મહેશભાઇ – કિજારી અને પરિવાર(U.S.A.) છે. આયોજનની સેવા પરેશભાઈ ફડાવાલા કરી રહ્યા છે.

કથાના હેતુ વિશે ડૉ. પ્રજ્ઞાબહેન કલાર્થી ચિત્રલેખા.કોમને કહે છે, ‘આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ૨૦૧૯માં સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. ૧૨૫૧ દીકરીઓના સમૂહલગ્ન વલસાડના જૂજવા ગામે થયા હતા. ત્યારે ઉપસ્થિત મોરારીબાપુએ એમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ કન્યાદાન મહોત્સવમાં એક સાધુ તરીકે હું તમને શું આપું? એક કથા તમારી વચ્ચે આવીને કરીશ, તમારી વચ્ચે રહીશ, તમારા રોટલા ખાઈશ, રામાયણની પોથી લઈને આવીશ અને કથા કરીશ. ૨૦૧૯ પછી કોરોના અને અન્ય કારણોના લીધે કથાનું આયોજન લંબાયું હતું. એ રામકથાનો પ્રેમયજ્ઞનું મુહૂર્ત હવે આવ્યું છે. કથા શ્રવણ માટે આસપાસના ગામોમાં નિમંત્રણ પાઠવાયું છે તેમજ આવવા જવા માટે બસની સુવિધા પણ કરવામાં આવી છે.

અરવિંદ ગોંડલિયા (સુરત)