માતૃભાષાની શાળાના વિદ્યાર્થીઓને પ્રોગામિંગનું જ્ઞાન પીરસવા અનોખી કાર્યશાળાનું આયોજન

મુંબઈ ગુજરાતી સંગઠન ગુજરાતી શાળા અને સમુદાયને કેન્દ્રમાં રાખી વિવિધ કાર્યક્રમના આયોજન કરે છે. આજના સમયમાં માતૃભાષાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ આધુનિક તકનીક શીખવા મળે અને એમનામાં રહેલી પ્રતિભા ખીલે તથા તેઓ પણ નાનપણથી જ પોતાના વિવિધ કૌશલ્યના વિકાસમાં સહભાગી બને એ માટે પાયથન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાં પહેલાં શિક્ષકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.ખાસ ગુજરાતી ભાષામાં આ પુસ્તકનું અનુવાદ કરવામાં આવ્યું છે.શિક્ષકોને આ પુસ્તક સંગઠન તરફથી ભેટમાં આપવામાં આવ્યું.

20 અને 27 એપ્રિલના ઝેવિયર્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગમાં ગુજરાતી શાળાના શિક્ષકો માટે મુંબઈ ગુજરાતી સંગઠન અને ઝેવિયર્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગના સંયુક્ત પ્રયાસથી પાયથન કાર્યશાળા યોજાઈ હતી. NEP 2020 માં સરકાર દ્વારા સ્કૂલના બાળકોને પણ પ્રોગ્રામિંગ શીખવવાની હિમાયત કરવામાં આવી છે. પ્રોગ્રામિંગ જેવો મુશ્કેલ વિષય પણ સ્કૂલના બાળકોને શીખવી શકાય તે માટે ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગના અમુક પ્રોફેસર દ્વારા “ધ જોય ઓફ પાયથન” નામની એક પુસ્તક લખવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય બાળકોને સરળ અને રસપ્રદ રીતે પાયથન પ્રોગ્રામિંગ શીખવવાનો છે.

આ પુસ્તક સ્કૂલના બાળકો સુધી કેવી રીતે લઈ જવી અને તે પુસ્તક લખવા પાછળનું વિઝન શિક્ષકો સુધી પહોચાડવા માટે શિક્ષકો માટે આ કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુંબઈની વિવિધ ગુજરાતી માધ્યમની શાળાઓના 18 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. પ્રોફેસર મિશિલ પટેલે શિક્ષકોને પાયથન ભાષા શીખવી હતી. મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી ભાવેશ મહેતા અને મયુર ભાઈ પણ આ કાર્યશાળામાં સામેલ થયા હતાં.શિક્ષકોને ચિત્રકલા દ્વારા પાયથન ભાષાના વિવિધ કમાંડ અને ફીચર્સ શીખવાડવામાં આવ્યા હતા.આમ, શિક્ષકોએ બાળકો સુધી આ જ્ઞાન પહોંચાડવાની કટિબદ્ધતા દાખવી હતી.