ત્રીજા તબક્કાની 94 સીટો પર કેટલા ઉમેદવારો પર નોંધાયેલા છે કેસ?, જાણો…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 94 સીટો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 1352 ઉમેદવારોમાથી માત્ર નવ ટકા મહિલાઓ છે, જ્યારે 18 ટકા ઉમેદવારોએ નામાંકન પત્રના એફિડેવિટમાં પોતાની વિરુદ્ધ ગુનાઇત કેસ જાહેર કર્યા છે, એમાં પાંચ પર મર્ડર તો 24 પર હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે, સાત ઉમેદવારો પહેલેથી કયા કેસોમાં દોષી કરાર ઘોષિત કરવામાં આવી ચૂક્યા છે. 38 ઉમેદવારોના કેસ મહિલાઓની વિરુદ્ધ અપરાધોથી જોડાયેલા છે. 17 ઉમેદવારો પર હેટ સ્પીચના કેસ છે, એમ ADR રિપોર્ટ કહે છે.

કુલ 95 મત વિસ્તારોમાંથી 43 મતક્ષેત્ર (45 ટકા) એવાં છે, જેમાં ત્રણ કે વધ ઉમેદવારો પર ગુનાઓ દાખલ થયેલા છે. અહેવાલ મુજબ કુલ ઉમેદવારોમાંથી 392 ઉમેદવાર કરોડપતિ છે, એમાં પ્રતિ ઉમેદવાર સરેરાશ સંપત્તિ રૂ. 5.66 કરોડ છે. ભાજપના 82માંથી 77, કોંગ્રેસના 68માંથી 60, SPના 10માંથી નવ, TMCના છમાંથી ચાર, શિવસેના (UBT)ના પાંચમાંથી પાંચ અને શિવસેનાના બંને ઉમેદવારો કરોડપતિ છે. JDU, RJD, NCP, અને NCPના ત્રણે ઉમેદવારો કરોડપતિ છે.

કુલ ઉમેદવારોમાંથી 639 ઉમેદવારો પાંચમાથી 12 ધોરણ સુધી ભણેલા છે, જ્યારે 591 સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી હાંસલ કરેલી છે.ડિપ્લોમાધારક 44 ઉમેદવારો છે, જ્યારે શિક્ષિત 56 અને અશિક્ષિત 19 ઉમેદવારો  છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 25-40 વર્ષના 411 ઉમેદવાર છે, જ્યારે 41થી 60 વર્ષની વયના 712 ઉમેદવારો છે. 61થી 80 વર્ષના 228 ઉમેદવારો છે, જ્યારે એક ઉમેદવારની વય 80ને પાર છે, એમ અહેવાલ કહે છે.