આ તસવીરકાર પાસે છે ખાણોના ફોટાની ખાણ

શહેરમાં લાઈફ, પોર્ટ્રેટ, વેડિંગ થી માંડી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરોના અનેક પ્રદર્શનોનું આયોજન આર્ટ ગેલેરીઓમાં થાય છે. મૂળ વઢવાણના હાલ અમદાવાદમાં સ્થાયી એવા તસવીરકાર સુનીલ મહેતાએ જુદી જુદી ખાણોની કરેલી ફોટોગ્રાફીનું એક અલભ્ય પ્રદર્શન રવિશંકર રાવળ કલા ભવનમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સુનીલભાઈ શિક્ષક દિવસે જન્મેલા અને શિક્ષક પિતાના પુત્ર મેટ્રિક સુધીનું શિક્ષણ પણ મેળવી શક્યા નહીં. નબળી શારિરીક અને અન્ય સમસ્યાઓ સામે ઝઝુમતા સુનીલભાઈએ પિતાની જેમ કલાક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, ડાર્ક રૂમમાં પણ નિપૂણતા મેળવી લીધી. ફોટોગ્રાફી એક ફક્ત દસ્તાવેજી કરણ નથી એ કલા છે એ વાતને મનમાં દ્રઢ કરી દીધી.

સુનીલ મહેતા ચિત્રલેખા.કોમને કહે છે મેં મારે માણસોના ફોટા પાડવાનું બહુ ઓછું બન્યું છે. શહેરની એક જાણીતી જાહેરાતોની એજન્સી માં વર્ષો સુધી કામ કર્યુ. જેમાં મને ઈન્ટસ્ટ્રિયલ ફોટોગ્રાફીની એક રાહ મળી. આ સાથે મને ખાણોની ફોટોગ્રાફી કરવાની તક મળી.

જેમાં સરકારના મોટા એકમો જી.એમ.ડી.સી.,જી.એન.એફ.સી.,જી.એસ.એફ.સી.,જી.આઈ.ડી.સી.,જી.એ.સી.એલ.,ની ફોટોગ્રાફી કરી હતી. નિર્જન અને નિર્જીવ એકમો જગ્યાઓની જીવંત તસવીરો કચકડે કંડારી હતી. લખપત જેવા કેટલાક એકમોની ફોટોગ્રાફી કરવી ખૂબ જ અઘરું હતું જે કોઠાસૂઝથી પાર પાડ્યું હતું. અનેક પ્રકારના ખાણ ખનીજ એકમોની જુદી જુદી પરિસ્થિતિમાં વર્ષો સુધી પાડેલી તસવીરોનું નિષ્ણાત લોકોએ પ્રદર્શન સ્વરૂપે રજુ કરવાનું સૂચન કર્યુ. જે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સંમતિથી શક્ય બન્યું છે. સુનીલભાઈ વધુમાં કહે છે મેં ફંક્શન ફોટોગ્રાફી અને માણસોના ફોટા ઓછા પાડ્યા છે. પરંતુ આપણાં જ રાજ્યનો નર્મદા ડેમ, શિવરાજપુર, ક્વાંટ અને કંડલા પોર્ટ જેવા અનેક સ્થળોને કેમેરામાં કેદ કર્યા છે.

અમદાવાદમાં “ધ બિગ વિઝન” નામથી સુનિલભાઈ મહેતાએ કંડારેલી તસવીર થકી માઇનિંગ ફોટોગ્રાફીનું રેર કલેક્શન દર્શાવતું એક્ઝિબિશન રવિશંકર રાવળ કલા ભવનમાં 21 મે સુધી ચાલશે.
સુનીલભાઈએ તેમના વિવિધ અસાઇમેન્ટ દરમિયાન માઈનિંગ ક્ષેત્રની ફોટોગ્રાફી કરી કમળના ફોટોગ્રાફ કેપ્ચર કર્યા હતા. માઇનિંગના ચાર દાયકા જુના ફોટોગ્રાફ આ એક્ઝિબિશનમાં જોઈ શકાશે. ફોટોગ્રાફર સુનિલ મહેતાની સામાન્ય વિષયો કરતાં અલગ એવા માઈનિંગની તસવીરો એદમ જીવંત છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે લાંબો સમય સેવા આપનારા નિવૃત આઇએએસ અધિકારી એમ શાહુએ આ ફોટો એકઝીબીશન “ધ બિગ વિઝન”ને ખુલ્લું મુકતાં કહે છે આ ફોટોગ્રાફી માઈનિંગ ક્ષેત્રની બ્યુટીને વર્ણવે છે. આ પ્રદર્શનમાં કેટલીક તસવીરો માઈનિંગ સેક્ટરના લોકો, ડિપાર્ટમેન્ટ માટે નોલેજ અને એજ્યુકેશન, સંશોધનની દ્રષ્ટિએ પણ અલભ્ય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)