કહેવત: સંપ ત્યાં જંપ

       

       સંપ ત્યાં જંપ

 

જંપ એટલે શાંતિ. અને સંપ એટલે હળી મળીને રહેવું, એકબીજાને વળગીને રહેવું, એકબીજા માટે હેતપ્રીતથી રહેવું તે. જે કુટુંબ હળીમળીને એકબીજા સાથે જોડાઈને હેતપ્રીતથી રહેતું હોય તે કોઈ પણ પ્રકારની બહારથી આવતી અડચણનો સારી રીતે સામનો કરી શકે છે. જેમ એક સાઠી હોય તો તૂટી જાય પણ સાઠીનો ભારો તોડી શકાતો નથી.

બરાબર તે જ રીતે એક જથ્થે અને સંપથી રહેતા કુટુંબ કે દેશને કોઈ તોડી શકતું નથી. એકબીજાની હુંફને કારણે એક પ્રકારની હળવાશ અને જંપ એટલે કે શાંતિનો અહેસાસ થાય છે. આ સંદર્ભમાં સંપ ત્યાં જંપ કહેવત વપરાય છે. જ્યાં સંપ નથી ત્યાં જંપ એટલે કે શાંતિ નથી અને સ્વાભાવિક રીતે જ શાંતિ નથી ત્યાં સુખ નથી. શાંતિ નથી ત્યાં ચિંતા છે અને એવું કહેવાય છે કે ‘ચિંતાથી ચતુરાઇ ઘટે, ઘટે રંગને રૂપ’.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)