રોટલાનો ખાનાર રોટલો ખાશે ઘર નહીં લઈ જાય

રોટલાનો ખાનાર રોટલો ખાશે ઘર નહીં લઈ જાય

માણસ મહેમાન બનીને આવે ત્યારે એની વ્યવસ્થિત પરોણાગત કરવી જોઈએ. પુરાણા સમયમાં એમ કહેવાતું કે ઘરનો રોટલો બહાર ખાવાનો છે. અથવા જેનો આવકાર ઉજળો હોય એના માટે કહેવાતું કે એનો રોટલો મોટો છે. કોઇ પણ માણસની પરોણાગત કરો તો એ એને ભૂખ હોય તેટલું જ ખાઈ શકે છે. એક ગૃહસ્થનો ધર્મ છે કે અતિથિ સત્કાર કરો.

આપણે ત્યાં રસોઈ બને તેમાં પણ એક ભાગ અતિથિનો, એક બારણે આવેલ અભ્યાગતનો, એક ગૌગ્રાસ એટલે કે ગાય-કૂતરા માટે અને ચોથા ભાગ ઉપર જ આપણો અધિકાર છે એવું કહેવાયું છે. આપણે ત્યાં આવેલ અતિથિ એની ક્ષમતા પ્રમાણે જમે છે. એ કાંઇ આખું ઘર સાથે નથી લઈ જતો. એટલે આ સંદર્ભમાં કહેવાયું છે કે રોટલાનો ખાનાર રોટલો ખાશે, ઘર નહીં લઈ જાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)