નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વિક્રમસર્જક સપાટીએ – પ્રતિ લિટર 100 રૂપિયાની ઊંચાઈએ પહોંચી ગયા છે ત્યારે કેન્દ્રના પેટ્રોલિયમ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે કહ્યું કે સામાન્ય માનવીઓ પર ઈંધણના ભાવવધારાના બોજની જો કોંગ્રેસ પાર્ટીને એટલી બધી ચિંતા હોય તો એ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પોતાની સરકારોને જણાવે કે ઈંધણ પરનો વેચાણવેરો ઘટાડી દે.
ધર્મેન્દ્ર પ્રધાને જોકે એમ કંઈ ન કહ્યું કે મધ્ય પ્રદેશ, કર્ણાટક જેવા ભાજપશાસિત રાજ્યો પણ વેચાણવેરો ઘટાડશે કે નહીં, જ્યાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયે પહોંચી ગયો છે. દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઓલટાઈમ-હાઈ થયા છે. ઈંધણના આંતરરાષ્ટ્રીય ભાવો વધવાથી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના વેચાણવેરાના ઉંચા દરને કારણે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા છે.