ફોરેન-ફંડ ખાતા ફ્રીઝ કરાયાના અહેવાલો ખોટાઃ અદાણી-ગ્રુપ

અમદાવાદઃ એશિયા ખંડમાં બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રુપ માટે આજનો દિવસ બહુ ખરાબ ગણાયો છે. કારણ કે ભારતની શેરબજારોમાં લિસ્ટેડ થયેલી એમના ગ્રુપની છ કંપનીઓની માર્કેટ કેપને મોટો ઘસારો લાગ્યો છે. એક અહેવાલ મુજબ, અદાણી ગ્રુપની માર્કેટ કેપને એક લાખ કરોડથી વધુનું નુકસાન ગયું છે. ભારતીય ડિપોઝીટરીએ અદાણી ગ્રુપના મોરિશ્યસ સ્થિત રૂ. 435 અબજના ત્રણ ફંડ ફ્રીઝ કરી દીધાના અહેવાલોને પગલે અદાણી ગ્રુપના શેરોએ આજે ભારે પછડાટ ખાધી છે. આ ત્રણ ખાતા છે – અલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડ. આ ત્રણ ખાતા ગઈ 31 મેએ કે તે પહેલાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ સસ્પેન્શન કદાચ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) અંતર્ગત પૂરતી જાણકારી ન આપવા બદલ કરાયું હોય એવી શક્યતા છે.

પરંતુ, અદાણી ગ્રુપે જાહેર કર્યું છે કે એના ત્રણ ફોરેન FPI ખાતા ફ્રીઝ કરાયા હોવાના અહેવાલો ખોટા છે. તેણે સ્પષ્ટતા કરી છે કે ડીમેટ ખાતા ફ્રીઝ કરાયા નથી. શેરબજારોને આપેલી જાણકારીમાં તેણે જણાવ્યું છે કે, અમારે ખેદ સાથે જણાવવું પડે છે કે આ અહેવાલો સદંતર ભૂલભરેલા છે અને ઈન્વેસ્ટરોને ગેરમાર્ગે દોરવા માટે જ આવું કરવામાં આવ્યું છે. આને કારણે અમારા ગ્રુપની પ્રતિષ્ઠાને તથા ઈન્વેસ્ટરોને આર્થિક રીતે મોટું નુકસાન ગયું છે. અમે રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટને વિનંતી કરીએ છીએ કે સંબંધિત ફંડ્સને લગતા ડીમેટ એકાઉન્ટની સ્થિતિ અંગે લેખિતમાં જણાવે. તેઓ સ્પષ્ટતા કરે કે જેમાં કંપનીના ફંડ્સ-શેર રાખવામાં આવ્યા છે તે ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા નથી.

આજે સાપ્તાહિક ટ્રેડિંગના પહેલા જ દિવસે સવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોને પાંચથી લઈને 18 ટકાનો માર પડ્યો હતો. સૌથી મોટું નુકસાન અદાણી એન્ટરપ્રાઈઝીસ અને નિફ્ટી લિસ્ટેડ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનને થયું છે. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ)એ અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં રૂ. 43,500 કરોડના ઈન્વેસ્ટમેન્ટ ધરાવતા ત્રણ વિદેશી ફંડ્સના એકાઉન્ટને ફ્રીઝ કર્યા છે એવા ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલને પગલે અદાણી શેરોનું ધોવાણ થયું હતું.