એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના 20મા મુખ્યપ્રધાન…

શિવસેનામાં બળવો કરનાર વરિષ્ઠ નેતા અને શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં પોતાના નેતૃત્વ હેઠળની સરકાર રચવાનો 30 જૂન, ગુરુવારે દાવો કર્યા બાદ રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશિયારીએ એમને મુંબઈમાં રાજભવન ખાતે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. એમણે શિવસેનાના વિધાનસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને પોતાની સરકારને ભાજપનો ટેકો રહેશે એવી ગવર્નર રજૂઆત કરી હતી. એમની સાથે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. અગાઉ આ બંને નેતા સરકાર રચવાનો દાવો કરવા મળવા ગયા હતા ત્યારે રાજ્યપાલ કોશિયારીએ બંને નેતાને અભિનંદન આપ્યા હતા અને પેંડો ખવડાવીને એમનું મોઢું મીઠું કરાવ્યું હતું.

એકનાથ શિંદેએ હવે મહારાષ્ટ્ર વિધાનસભા ગૃહમાં એમની સરકારની બહુમતી પુરવાર કરવાની રહેશે

દેવેન્દ્ર ફડણવીસ બન્યા નાયબ મુખ્ય પ્રધાન

શિંદેએ બળવો કરતા અને અપક્ષો સહિત પોતાને 50 વિધાનસભ્યોનો ટેકો હોવાનો દાવો કરતા શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. પરિણામે ઠાકરેએ 29 જૂન, બુધવારે રાતે ફેસબુક લાઈવના માધ્યમથી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. પરિણામે નવા મુખ્ય પ્રધાનની નિમણૂકનો માર્ગ મોકળો બન્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠક છે. સરકાર રચવા માટે કોઈ પણ પક્ષ કે પક્ષોના સમુહે 144 બેઠક જીતવી પડે. 2019ની ચૂંટણીમાં ભાજપ 106 બેઠક સાથે સૌથી મોટો પક્ષ બન્યો હતો જ્યારે શિવસેનાને 56, એનસીપીને 53, કોંગ્રેસને 44, બીવીએને 3, એસપીને 2, પીજેપીને 2, એઆઈએમઆઈએમને 2, પીડબલ્યુપીઆઈ, આરએસપી, જેએસએસ, સીપીઆઈ (એમ), એમએનએસ, એસડબલ્યુપીને 1-1 બેઠક મળી હતી જ્યારે 13 અપક્ષો પણ વિજયી થયા હતા. એક સીટ ખાલી પડી છે.

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સંયુક્ત પત્રકાર પરિષદ

ગવર્નરને મળી આવ્યા બાદ ફડણવીસ અને શિંદેએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં ફડણવીસે જાહેરાત કરી હતી કે શિંદે રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનશે અને પોતે સરકારની બહાર રહેશે.

(તસવીરોઃ દીપક ધુરી)