કેપ્ટન રોહિત શર્માને ઈંગ્લેન્ડમાં કોરોના થયો

લેસ્ટરઃ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડી છે. ગઈ કાલે એની કરાયેલી રેપિડ એન્ટીજેન ટેસ્ટ (RAT) પરથી આ માલુમ પડ્યું હતું. હાલ લેસ્ટરના ગ્રેસ રોડ મેદાન પર લેસ્ટરશાયર સામે ભારતીય ટીમની ચાર-દિવસની પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. ગઈ કાલે મેચનો ત્રીજો દિવસ હતો. રોહિત પણ આ મેચની ઈલેવનમાં કેપ્ટન તરીકે સામેલ હતો, પરંતુ હવે એને ટીમની હોટેલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની મેડિકલ ટીમની સારસંભાળ હેઠળ છે. આ જાણકારી બીસીસીઆઈ દ્વારા ટ્વિટરના માધ્યમથી આપવામાં આવી છે. રોહિત સાજો થઈ જશે તો જ એને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી એજબેસ્ટનમાં રમાનાર ટેસ્ટ મેચ માટેની ઈલેવનમાં સામેલ કરાશે.

એજબેસ્ટનમાંની ટેસ્ટ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ગયા વર્ષે કોરોનાને કારણે રમી ન શકાયેલી અને મુલતવી રખાયેલી મેચ છે. ગયા વર્ષે ભારતના ઈંગ્લેન્ડના પ્રવાસમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ 2-1થી આગળ હતી. ચોથી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓને કોરોના થતાં પાંચમી અને આખરી ટેસ્ટમેચ રમાડી શકાઈ નહોતી. પાંચ-મેચોની શ્રેણી અધૂરી રહી હતી. મુલતવી રખાયેલી અને વિલંબિત થયેલી તે પાંચમી ટેસ્ટ આવતી 1 જુલાઈથી એજબેસ્ટનમાં રમાવાની છે.