લોર્ડ કમલેશ પટેલે યોર્કશાયર ક્રિકેટ-ક્લબને બચાવી લીધી

હેડિંગ્લી (લીડ્સ): ઈંગ્લેન્ડની વિખ્યાત યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબને આર્થિક રીતે બરબાદ અને નાદાર થવાની સ્થિતિમાંથી બચાવવાનો શ્રેય જાય છે લોર્ડ કમલેશ પટેલને. તેઓ બ્રિટનમાં ઉમરાવ સભા (હાઉસ ઓફ લોર્ડ્સ)માં સ્થાન ધરાવે છે. એમણે કહ્યું કે, ક્લબમાં જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થયું ન હોત તો આ ક્લબ દેવાળીયા બની ગઈ હોત. એ બધી મુસીબત પાકિસ્તાની મૂળના ક્રિકેટર અઝીમ રફીક તથા અન્યો સાથે ક્લબના અમુક સત્તાવાળાઓએ કરેલી રંગભેદી કનડગત અને દમદાટીના પરિણામે સર્જાઈ હતી. રંગભેદ વિવાદને કારણે તે વખતના યોર્કશાયર ક્રિકેટ ક્લબના ચેરમેનને રાજીનામું આપવું પડ્યું હતું, સ્પોન્સર્સ પણ ખસી ગયા હતા. આખરે લોર્ડ કમલેશ પટેલને ગયા નવેમ્બરમાં વચગાળાના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે સરસ રીતે સંચાલન કરતાં ક્લબ મુસીબતમાંથી બહાર આવી શકી. પટેલે ક્લબમાં તળિયાઝાટક ફેરફારો કરાવ્યા. સમગ્ર મેનેજમેન્ટ, કોચિંગ તથા સપોર્ટ સ્ટાફને બદલી નાખ્યા હતા અને અઝીમ રફીક સાથે સમાધાનકારી વાટાઘાટ પણ કરી હતી. એમના તે પગલાંથી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ તથા આઈસીસી રાજી થતાં ક્લબના હેડિંગ્લી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થયું હતું. હાલ ત્યાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ-મેચની ત્રીજી અને આખરી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ક્લબને ફરી સ્પોન્સર્સ પણ મળતા થયા છે.

ભારતની સંસદમાં જેમ લોકસભા છે તેમ, બ્રિટનની સંસદમાં ઉપલું ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સ તરીકે ઓળખાય છે. તેના સભ્યો લોર્ડ તરીકે ઓળખાય છે. કમલેશ પટેલ ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં કેન્યાથી બ્રેડફોર્ડ આવ્યા ત્યારે તેમની વય એક વર્ષની હતી. તેઓ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના સીનિયર ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બનનારા પ્રથમ બ્રિટિશ એશિયન છે. લોર્ડ કમલેશ પટેલે ઈનર-સિટી બ્રેડફોર્ડમાં ક્વાલિફાઈડ સોશિયલ વર્કર તરીકે માદક દ્રવ્યોના વ્યસન વિરુદ્ધ અને માનસિક આરોગ્યની સમસ્યાઓ વિશે જનજાગૃતિ માટે મુદ્દે પાયાનું કામ કર્યું છે. તેમને ૧૯૯૯માં OBE (ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) એવોર્ડ એનાયત કરાયો હતો અને ૨૦૦૬માં એમને ‘બેરોન પટેલ ઓફ બ્રેડફોર્ડ’નું ટાઈટલ આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. એ સાથે એમને આજીવન ઉમરાવ બનાવવામાં આવ્યા હતા. તેમણે ગોર્ડન બ્રાઉન સરકારમાં પ્રધાન તરીકે પણ સેવા આપી છે. બ્રેડફોર્ડ બ્રિટનના સૌથી મોટા કાઉન્ટી (જિલ્લા) યોર્કશાયરનું શહેર છે.