મુંબઈઃ 23 ઓક્ટોબરથી યૂએઈ અને ઓમાનમાં શરૂ થનારી T20 વર્લ્ડ કપ-2021 માટેની ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પસંદગીકારોએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ મુખ્ય ટીમમાં ડાબોડી સ્પિનર અક્ષર પટેલની જગ્યાએ ફાસ્ટ બોલર શાર્દુર ઠાકુરને સામેલ કર્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ અગાઉ જાહેર કરાયેલી 15-સભ્યોની ટીમમાં સામેલ કરાયો હતો, પરંતુ હવે એનું નામ સ્ટેન્ડ-બાય ખેલાડીઓમાં મૂકી દેવામાં આવ્યું છે.
બીજી બાજુ, ઠાકુર સ્ટેન્ડ-બાય ખેલાડીઓમાંનો એક હો, પણ આઈપીએલ-2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વતી એના પ્રભાવશાળી બોલિંગ દેખાવને કારણે એને મુખ્ય ટીમમાં સામેલ કરી દેવામાં આવ્યો છે. ઠાકુરે આઈપીએલમાં અત્યાર સુધીમાં 15 મેચોમાં 27.16ની સરેરાશ અને 18.61ના સ્ટ્રાઈક રેટ સાથે 18 વિકેટ લીધી છે. ચેન્નાઈ ટીમ આઈપીએલ-2021ની ફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યાં 15 ઓક્ટોબરે એનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અથવા કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી કોઈ એક સાથે થશે.
T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી.
સ્ટેન્ડ-બાય ખેલાડીઓઃ અક્ષર પટેલ, શ્રેયસ ઐયર, દીપક ચાહર.
આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને સજ્જ બનવામાં સહાયતા કરવા દુબઈમાં ટીમ બબલમાં જોડાશેઃ અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમાન મેરીવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ એહમદ અને કે. ગૌતમ.
સ્પર્ધામાં ભારતની પહેલી મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં પાકિસ્તાન સામે છે. ગ્રુપ-2માં ભારત સાથે પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ તથા બે ક્વાલિફાયર ટીમ છે.