નિર્દેશક શક્તિ સામંતાની ફિલ્મ ‘મહેબૂબા’ (1976) બોલીવુડના ઇતિહાસમાં એક ખાસ સ્થાન ધરાવે છે. જો ‘મહેબૂબા’
આજે પણ યાદ કરવામાં આવતી હોય તો તેનું સૌથી મોટું કારણ તેનું સંગીત છે. પંચમદા (આર.ડી. બર્મન) એ આ ફિલ્મમાં રાગ શિવરંજનીનો અદભૂત ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને ‘મેરે નૈના સાવન ભાદો’ ગીત પાછળ એક રસપ્રદ કિસ્સો જોડાયેલો છે. આ ગીત ભારતીય સંગીત ઇતિહાસના શ્રેષ્ઠ ગીતોમાંનું એક ગણાય છે.
જ્યારે પંચમદાએ આ ગીત કિશોરકુમારને સંભળાવ્યું ત્યારે તેઓ થોડા ગભરાઈ ગયા હતા, કારણ કે આ ગીત શાસ્ત્રીય રાગ શિવરંજની પર આધારિત હતું. કિશોરકુમારે શરત મૂકી હતી કે પહેલા આ ગીત લતા મંગેશકર પાસે રેકોર્ડ કરાવો. હું તેને સાંભળીશ અને પછી જ ગાઈશ. લતાજીએ ગીત રેકોર્ડ કર્યા પછી કિશોરકુમારે સતત સાત દિવસ સુધી લતાજીનું વર્ઝન સાંભળ્યું અને તેની બારીકાઈઓ સમજી. પરિણામે કિશોરદાનું વર્ઝન લતાજીના વર્ઝન જેટલું જ, કદાચ તેનાથી પણ વધુ લોકપ્રિય થયું.
સંગીત વિવેચકો માને છે કે આર.ડી. બર્મને રાગ શિવરંજનીનો જે રીતે આ ફિલ્મમાં ઉપયોગ કર્યો છે તેવો ભાગ્યે જ કોઈએ કર્યો હશે. ‘મેરે નૈના સાવન ભાદો’માં જે હન્ટિંગ (યાદ રહી જાય તેવી) ધૂન છે, તે પંચમદાની સર્જનાત્મકતાનો પુરાવો છે.

બીજું લોકપ્રિય ગીત ‘ગોરી તોરી પૈજનિયા’ ફિલ્મના પાછલા જન્મના ભાગમાં આવે છે, જ્યાં રાજેશ ખન્ના (રાજગાયક) અને હેમામાલિની (રાજનર્તકી) વચ્ચેનો કલાત્મક પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. શાસ્ત્રીય નૃત્ય પર આધારિત આ ગીત ભારતીય સિનેમાના યાદગાર ક્લાસિકલ ડાન્સ નંબર્સમાંનું એક છે. સંગીતકાર આર.ડી. બર્મન અને મન્ના ડેની જોડીએ આ ગીતમાં શાસ્ત્રીય અને ફિલ્મી સંગીતનો અદભૂત સમન્વય કર્યો છે.
આ ગીતની સૌથી મોટી વિશેષતા તેનું ફિલ્માંકન છે. અંતરામાં હેમામાલિનીએ મોટી પિત્તળની થાળીની કિનારી પર ઉભા રહીને નૃત્ય કર્યું હતું, જે ટેકનિક અત્યંત કઠિન માનવામાં આવે છે. શરીરનું સંપૂર્ણ સંતુલન જાળવવું પડે છે. પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના હોવાને કારણે હેમામાલિનીએ આ પડકારને સુંદર રીતે નિભાવ્યો હતો.
ગીતના કોરિયોગ્રાફર પ્રસિદ્ધ કથક નૃત્યકાર ગોપીકૃષ્ણ હતા. તાલ અને તબલાના બોલ સેટ કરવામાં તેમણે આર.ડી. બર્મનને મદદ કરી હતી, જેથી નૃત્ય અને સંગીત વચ્ચે યોગ્ય તાલમેલ બેસી શકે. તબલા વાદકો અમૃતરાવ કાતકર અને મારુતિરાવ કીરે અડધા તાલ અને મુશ્કેલ લય પર કામ કર્યું હતું, જે આજે પણ સંગીતવિદો માટે અભ્યાસનો વિષય છે.

ગીતનું શીર્ષક ‘પૈજનિયા’ (ઝાંઝર) હોવાથી આર.ડી. બર્મને ડબિંગ વખતે ઝાંઝરના અવાજની ફ્રીક્વન્સી ઊંચી રાખી હતી, જેથી પગના ઘુંઘરૂનો અવાજ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વચ્ચે દબાઈ ન જાય. એડિટિંગ સમયે ‘લિપ-સિંક’ અને ‘ફૂટ-સિંક’ મેન્યુઅલી કરવામાં આવ્યા હતા. હેમામાલિનીના પગની હલચલ અને મન્ના ડેના અવાજ વચ્ચે સંપૂર્ણ તાલમેલ બેસાડવા માટે ફ્રેમ-બાય-ફ્રેમ એડિટિંગ કરવામાં આવ્યું હતું.
ત્રીજું લોકપ્રિય ગીત ‘પરબત કે પીછે ચંબે દા ગાવ’ કિશોરકુમાર અને લતા મંગેશકરના અવાજમાં આજે પણ તેની મધુર ધૂન માટે યાદ કરવામાં આવે છે. આ ગીતની ધૂન પારંપરિક પંજાબી લોકગીત ‘સાડા વેહડે વિચ’ પરથી પ્રેરિત હતી. ગીતકાર આનંદ બક્ષી ઘણીવાર સંગીતકારોને પંજાબી લોકધૂનો સંભળાવતા. આર.ડી. બર્મને આ સાદી લોકધૂનને પોતાની શૈલીમાં સજાવીને એક શાનદાર ફિલ્મી ગીતમાં પરિવર્તિત કરી દીધું હતું.




