નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી ઇટાલીની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે PM મોદીએ મેલોનીને ‘Melody’ ટોફી ગિફ્ટ આપી છે. હવે આ “મીઠી ભેટ”ને કારણે Melody સાથે જોડાયેલા નામવાળી એક કંપની અને તેના રોકાણકારોની ચાંદી થઈ ગઈ છે. અહીં અમે તમને કંપનીના શેરમાં આવેલા ઉછાળા અને કંપનીના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.વડા પ્રધાન મોદીએ જ્યોર્જિયા મેલોનીને ખાસ ‘Melody’ ટોફી ભેટ આપી હતી, જે પછી PM મેલોનીએ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને આ ગિફ્ટ બદલ આભાર માન્યો. ત્યાર બાદ સોશિયલ મિડિયા પર ‘Melody’ ટોફીની જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ.
પાર્લે (Parle) કંપની ભારતીય શેરબજારમાં લિસ્ટેડ નથી, છતાં શેરબજારમાં સમાન નામ ધરાવતા એક સ્ટોકની ખરીદી અચાનક વધી ગઈ છે. મેલોડી ટોફી ગિફ્ટ થયા બાદ પાર્લે (Parle Industries Ltd) નામના શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે, જેને કારણે શેરમાં તેજી આવી અને થોડી જ વારમાં શેર અપર સર્કિટ પર પહોંચી ગયો હતો. . જોકે સત્ય એ છે કે ટોફી બનાવતી કંપની અને જેના શેર વધી રહ્યા છે, તે બંને અલગ-અલગ કંપનીઓ છે.

97 વર્ષ જૂની કંપની
પાર્લે પ્રોડક્ટસ (Parle Products) કોઈ નવી કંપની નથી, પરંતુ 97 વર્ષ જૂની કંપની છે. તેની શરૂઆત મોહનલાલ દયાળે “House of Parle” નામથી કરી હતી. આજે કંપની પાસે 21થી વધુ પ્રોડક્ટ્સ છે અને દેશભરમાં 125થી વધુ ફેક્ટરીઓ છે. હાલમાં Parle-G બિસ્કિટ અને ટોફી ઉપરાંત કંપની ચોકલેટ, કેક, રસ્ક, સ્નેક્સ, બ્રેકફાસ્ટ સિરિયલ અને લોટ પણ વેચે છે.
શું પાર્લે ઇન્ડસ્ટ્રીઝ અને પાર્લે પ્રોડક્ટ એક જ છે?
ના, પાર્લે ઇન્ડસ્ટ્રીઝ અને પાર્લે પ્રોડક્ટ વચ્ચે કોઈ સંબંધ નથી. પાર્લે પ્રોડક્ટ્સ એક જાણીતી FMCG કંપની છે, જે Parle-G, Melody અને Monaco જેવી બિસ્કિટ અને ટોફીઓ બનાવે છે. જ્યારે પાર્લે ઇન્ડસ્ટ્રીઝ લિ. એક અલગ જ કંપની છે, જે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા રિસાયક્લિંગના વ્યવસાય સાથે જોડાયેલી છે.




