નવી દિલ્હી: ભારતે અમેરિકાને અચંબિત કરી દીધું છે. ભારતીય ઉદ્યોગોએ ત્યાં એટલા મોટા પાયે મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે કે અમેરિકનોની આંખો પહોળી થઈ ગઈ છે. મેરિલેન્ડમાં યોજાયેલી 2026 સિલેક્ટ USA (SelectUSA) ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભારતીય અગ્રણી કંપનીઓ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં કુલ $ 20.5 અબજ રેકોર્ડના મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી છે. આ મૂડીરોકાણો અમેરિકી બજારની મજબૂતી અને વિદેશી રોકાણકારો માટે તેની આકર્ષકતાને દર્શાવે છે.
આ પ્રતિબદ્ધતાઓમાં ફાર્માસ્યુટિકલ્સ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊભરતી ટેક્નોલોજી જેવાં મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ મૂડીરોકાણોથી બંને દેશોમાં હજારો નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે, એ સાથે જ અમેરિકામાં ઉત્પાદન અને સંયુક્ત નવીનતા ક્ષમતામાં વધારો થશે.
અમારું લક્ષ્ય 2030 સુધીમાં અમેરિકા-ભારત દ્વિપક્ષી વેપારને $ 500 અબજ સુધી વધારવાનું છે. ન્યાયસંગત, સંતુલિત અને પરસ્પર લાભદાયી વેપાર દ્વારા અમે વિશ્વ સ્તરીય મૂડીરોકાણોને આકર્ષી રહ્યા છીએ અને બંને દેશો માટે સમૃદ્ધિ સર્જી રહ્યા છીએ,” એમ એમ્બેસેડર સર્જિયો ગોરે નવી દિલ્હીમાં SelectUSA કિક-ઓફ સમારોહમાં જણાવ્યું હતું.
આ મૂડીરોકાણોમાંનો મોટો હિસ્સો ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર તરફથી છે, જેમાં $ 19.1 અબજથી વધુનું મૂડીરોકાણ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ, સંશોધન અને વિકાસ (R&D) અને નવી સુવિધાઓ માટે કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટીલ, કનેક્ટિવિટી અને એનર્જી સપ્લાય ચેઇનમાં થતા મૂડીરોકાણો અમેરિકાની ઔદ્યોગિક ક્ષમતા મજબૂત બનાવશે અને વધુ સ્થિર તથા સુરક્ષિત સપ્લાય ચેઇન બનાવવા મદદરૂપ થશે.
આ ઉપરાંત 12 ભારતીય કંપનીઓએ વિવિધ રાજ્યોમાં ગ્રીનફીલ્ડ અને વિસ્તરણ પ્રોજેક્ટ્સ માટે $ 1.1 અબજથી વધુનું રોકાણ જાહેર કર્યું છે, જે મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં રોજગારી વધારશે. આ જાહેરાતો SelectUSA સમિટમાં ભારત તરફથી અત્યાર સુધી થયેલી કુલ જાહેરાતોથી વધુ છે અને આ વર્ષે કોઈ પણ દેશ દ્વારા કરાયેલું સૌથી મોટું યોગદાન દર્શાવે છે.
આ જાહેરાતો દર્શાવે છે કે SelectUSA વૈશ્વિક રોકાણકારોને અમેરિકામાં ઉપલબ્ધ તકો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આંતરરાષ્ટ્રીય રોકાણ દેશભરના સમુદાયોમાં આર્થિક વિકાસ, નવીનતા અને વર્કફોર્સ વિકાસને આગળ ધપાવે છે.
BIG NEWS coming! Massive new investments from India are flowing into the United States at the 2026 #SelectUSASummit – the largest we’ve ever seen. This is what a true win looks like for the American economy. Details soon! pic.twitter.com/vinQEjAPVy
— Ambassador Sergio Gor (@USAmbIndia) May 5, 2026
SelectUSA વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ સમિટ અમેરિકામાં બિઝનેસ રોકાણને પ્રોત્સાહન આપતી સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે, જ્યાં રોકાણકારો, કંપનીઓ, આર્થિક વિકાસ સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો જોડાઈને નવા સોદા કરે છે, સંબંધો મજબૂત બનાવે છે અને વિકાસની તકોનો લાભ લે છે.




