સરકારનો 200 પેટ્રોકેમિકલ્સ ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારવા પર ભાર

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં એવાં ઉત્પાદનોનું સ્થાનિક ઉત્પાદન વધારવા માગે છે, જેના માટે હાલ વિદેશ પર વધુ નિર્ભરતા છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT)એ પેટ્રોકેમિકલ ઉદ્યોગોને અપીલ કરી છે કે તેઓ 200થી વધુ એવાં પેટ્રોકેમિકલ ઉત્પાદનોનું ભારતમાં ઉત્પાદન વધારે, જેમાં હાલમાં આયાત પર ભારે નિર્ભરતા છે. આ ઉત્પાદનો માટે દેશનું આયાત બિલ લગભગ 50 અબજ ડોલર સુધી પહોંચે છે. સરળ શબ્દોમાં કહીએ તો સરકારને અંદાજે 4 લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. લાંબા સમયથી ભારત સરકાર આ મુદ્દા પર વિચાર કરી રહી હતી, પરંતુ પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ભારત સામે કયા પડકારો?

વિશેષજ્ઞોનું માનવું છે કે ભારત કાચા તેલ અને અન્ય કેમિકલ્સ માટે ખાડી દેશો પર નિર્ભર છે. ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય અથવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય માટે બંધ થઈ જાય તો સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે. હાલમાં ભારત પાસે જૂનો સ્ટોક ઉપલબ્ધ હોવાથી પશ્ચિમ એશિયાના યુદ્ધનો ઉદ્યોગો પર હજુ મોટો પ્રભાવ પડ્યો નથી. પરંતુ જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહે તો તેની સીધી અસર વિવિધ ઉદ્યોગો પર જોવા મળી શકે છે. પેટ્રોકેમિકલ્સ એવાં રસાયણો છે, જે મુખ્યત્વે કાચા તેલ અને કુદરતી ગેસમાંથી બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક, પેકેજિંગ સામગ્રી, પાઈપ, ટાયર, કપડાં અને દવાઓનાં સાધનો જેવી રોજબરોજની અનેક વસ્તુઓમાં પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે.

 

 દેશનાં કયાં ક્ષેત્રો પર અસર પડશે?

હાલમાં દેશમાં PVC, પોલિથિન, ABS પ્લાસ્ટિક, એમોનિયા, એસિટિક એસિડ, ટોલ્યુઇન અને એપોક્સી રેઝિન જેવી વસ્તુઓનું વધુ પ્રમાણમાં આયાત થાય છે. આ તમામ ઉત્પાદનોનો ઉપયોગ અલગ-અલગ ઉદ્યોગોમાં થાય છે.PVC, પોલિપ્રોપાઇલિન અને પોલિથિન જેવાં કેમિકલ્સનો ઉપયોગ પેકેજિંગ, પ્લાસ્ટિક કન્ટેનર અને પાઈપ બનાવવામાં વ્યાપક પ્રમાણમાં થાય છે. તેમની સપ્લાયમાં ખલેલ પડે તો FMCG કંપનીઓ માટે પેકેજિંગ ખર્ચ વધી શકે છે. રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થઈ શકે છે અને ઈ-કોમર્સ પેકેજિંગ પણ પ્રભાવિત થઈ શકે છે.