નવી દિલ્હીઃ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધને કારણે વિશ્વમાં ઓઇલ સંકટની આશંકા વધી ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવર પર અસર થતાં વૈશ્વિક ઓઇલ સપ્લાય ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. આ સ્થિતિમાં ભારતે ફરી એક વાર રશિયન તેલની આયાત વધારવાની શરૂઆત કરી છે.
ભારત રશિયાથી કેટલું ઓઇલ આયાત કરી રહ્યું છે?
ઓઇલ આયાતના આંકડાઓ મુજબ માર્ચના માત્ર પ્રથમ 11 દિવસોમાં જ મોટો ઉછાળો નોંધાયો છે. યુદ્ધ શરૂ થવા પહેલાં પણ આંકડા નોંધપાત્ર હતા. ફેબ્રુઆરીમાં ભારત રશિયાથી દરરોજ અંદાજે આઠ લાખ બેરલ તેલ આયાત કરતું હતું, પરંતુ હવે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયા બાદ અને તે 12મા દિવસે પહોંચતાં માર્ચના પ્રથમ 11 દિવસોમાં ભારતની રશિયાથી તેલ આયાત લગભગ 1.5 મિલિયન બેરલ પ્રતિદિન સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો યુદ્ધ યથાવત્ ચાલુ રહેશે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિતિ સામાન્ય નહીં બને તો આગામી દિવસોમાં ભારત રશિયાથી વધુ ઓઇલ આયાત કરી શકે છે.
હાલમાં ભારત પોતાની કુલ ઓઇલ જરૂરિયાતમાંથી લગભગ 40 ટકા આયાત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે કરે છે, જેમાં ઇરાક, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોથી આવતો સપ્લાય સામેલ છે.
આગળની સ્થિતિ કેવી રહી શકે?
નિષ્ણાતે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રશિયાથી ઓઇલ આયાત બે મિલિયન બેરલ પ્રતિદિન સુધી પહોંચી શકે છે. જો વિસ્તારની સ્થિતિ ઝડપથી સામાન્ય નહીં બને તો આ આંકડો વધુ પણ વધી શકે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટ્રમ્પ પ્રશાસનની નવી ટેરિફ નીતિના કારણે છેલ્લા કેટલાક સમયમાં ભારતે રશિયાથી ઓઇલ આયાત ઘટાડી હતી. આંકડા દર્શાવે છે કે આ વર્ષના ફેબ્રુઆરીમાં ભારતે રશિયાથી માત્ર લગભગ એક મિલિયન બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઈલ આયાત કર્યું હતું, જે 2025ના સર્વોચ્ચ સ્તર કરતાં ઘણું ઓછું હતું.આ ઉપરાંત ભારતની ઘણી ઓઇલ કંપનીઓ વિશ્વના મોટા સપ્લાયરો અને આંતરરાષ્ટ્રીય ટ્રેડરો સાથે સંપર્કમાં છે, જેથી જરૂર પડે ત્યારે વધારાનું ઓઇલ મેળવવાની વ્યવસ્થા કરી શકાય.


