ગુજરાતના સહકારી ક્ષેત્રને વધુ વેગવંતું બનાવવા અને જગતના તાતના આર્થિક ઉત્થાન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૭-૦૮ થી વર્ષ ૨૦૧૪-૧૫ ના સમયગાળા દરમિયાન રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ દ્વારા શેરડી પકવતા ખેડૂતોને ચૂકવવામાં આવેલા ભાવોને સત્તાવાર રીતે બહાલી આપી દીધી છે. સરકારના આ ક્રાંતિકારી પગલાને કારણે રાજ્યની ખાંડ મંડળીઓ પર તોલાતી અંદાજિત રૂ. ૧,૫૦૦ કરોડના આર્થિક બોજાની આફત કાયમ માટે ટળી ગઈ છે, જેનો સીધો જ અને મોટો લાભ રાજ્યના બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને મળશે.
બાય-પ્રોડક્ટ્સનો લાભ અને ઇન્કમટેક્સનો જટિલ વિવાદ
આ અંગે વિગતવાર પૃષ્ઠભૂમિ આપતા રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતનું સહકારી માળખું સમગ્ર દેશમાં અનન્ય છે. દેશની અન્ય ખાંડ મંડળીઓ સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાતા એફ.આર.પી. (Fair and Remunerative Price) એટલે કે ફેર એન્ડ રેમ્યુનરેટીવ પ્રાઈઝ મુજબ જ ખેડૂતોને ચૂકવણી કરતી હોય છે. જો કે, ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ માત્ર ખાંડના વેચાણ પર સીમિત ન રહેતા મોલાસીસ, ઇથેનોલ તેમજ કો-જનરેશન પ્લાન્ટ્સ દ્વારા ઉત્પાદિત થતી વીજળી જેવી વિવિધ ઉપ-પેદાશો (બાય-પ્રોડક્ટ્સ)માંથી થતી બમ્પર આવકનો મોટો હિસ્સો સીધો જ ખેડૂતોના ખાતામાં જમા કરાવે છે. આ આયોજનબદ્ધ વહીવટના કારણે જ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને અન્ય રાજ્યોની સરખામણીએ હંમેશા વધુ અને પોષણક્ષમ ભાવો મળતા આવ્યા છે.
પરંતુ, ભૂતકાળમાં આ કલ્યાણકારી વ્યવસ્થા સામે એક મોટો કાયદાકીય પ્રશ્ન ઊભો થયો હતો. કેન્દ્રીય આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા એફ.આર.પી. કરતાં ખેડૂતોને ચૂકવાયેલા આ વધુ ભાવોને મંડળીઓનો ‘નફો’ ગણી લેવામાં આવ્યો હતો. આ અર્થઘટનના આધારે ઇન્કમટેક્સ વિભાગે ગુજરાતની વિવિધ ખાંડ સહકારી મંડળીઓને કરોડો રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસો ફટકારી હતી. વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૫ સુધીના લાંબા ગાળાના આ વિવાદને કારણે મંડળીઓ પર અંદાજે રૂ. ૧,૫૦૦ કરોડ જેટલી માતબર રકમનો આર્થિક બોજો જમા થઈ ગયો હતો, જે સહકારી ક્ષેત્રની કમર તોડી નાખે તેમ હતો.
ડબલ એન્જિન સરકારના સંયુક્ત પ્રયાસો લાવ્યા રંગ
આ ગૂંચવાયેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને ભગીરથ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સહકારિતાને પ્રોત્સાહન આપવા માટે એક અલગ ‘સહકાર મંત્રાલય’ની સ્થાપના કરી અને તેનું સુકાન કેન્દ્રીય મંત્રી અમિત શાહને સોંપ્યું હતું. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩માં આવકવેરા કાયદાની જોગવાઈઓમાં એક ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો. આ સુધારા મુજબ, જો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા શેરડીના ભાવોને આવકવેરાના હેતુ માટે માન્યતા આપી દેવામાં આવે, તો મંડળીઓ પર લાદવામાં આવેલો વધારાનો ટેક્સ આપોઆપ રદ થઈ જાય છે.
ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોનો સ્વીકાર
કેન્દ્ર સરકારના આ ટેક્સ સુધારાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કક્ષાએ યોગ્ય ભલામણો કરવા માટે તાત્કાલિક એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ સમિતિએ આપેલા હકારાત્મક અહેવાલ અને ભલામણોનો સ્વીકાર કરીને ગુજરાત સરકારે છેવટે ખેડૂતો અને મંડળીઓની તરફેણમાં આ મોટો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ કલ્યાણકારી નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમગ્ર ખેડૂત આલમ વતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું કે રાજ્ય સરકાર સહકારી ક્ષેત્રના પાયાને મજબૂત કરવા અને લાખો ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.


