TMCની બેઠકમાં તિરાડઃ વિધાનસભ્યોએ અભિષેક બેનરજી પર ઉઠાવ્યા સવાલ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ TMCમાં આંતરિક કલહ ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. મંગળવારે યોજાયેલી આંતરિક બેઠકમાં TMCના કેટલાક ધારાસભ્યોએ અભિષેક બેનર્જીના નેતૃત્વ અંગે અસહમતી વ્યક્ત કરી હતી, કારણ કે 21 મેએ ફાલ્ટા બેઠક પર થનારી મતદાન પ્રક્રિયા પહેલાં જ પાર્ટીના ઉમેદવાર જહાંગીર ખાને અચાનક પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જહાંગીર ખાનને TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના નજીકના માનવામાં આવે છે. આ બેઠક દરમિયાન જહાંગીરના નિર્ણયને કારણે અભિષેક બેનર્જીના નેતૃત્વ પર પણ સવાલો ઊઠ્યા હતા.

 TMC ઉમેદવારનું નામ પાછું ખેંચાતાં ભારે નારાજગી

સૂત્રોના જણાવ્યા મુજબ કાલીઘાટ ખાતે યોજાયેલી આ બેઠકમાં TMC પ્રમુખ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી બંને હાજર હતાં. આ બેઠક દરમિયાન TMCના ધારાસભ્યોએ ફાલ્ટામાં અચાનક સર્જાયેલી રાજકીય ઊથલપાથલ અને પાર્ટીની સંગઠનાત્મક કામગીરી અંગે આકરા પ્રશ્નો પૂછ્યા હતા.

 મમતા અને અભિષેકની સામે જ પૂછાયા આકરા પ્રશ્નો

કોલકાતાના બે અને હાવડાના એક ધારાસભ્યએ જહાંગીર ખાન દ્વારા ઉમેદવારી પાછી ખેંચવાને મુદ્દે બેઠકમાં સવાલો ઉઠાવ્યા હતા. સંયોગથી આ ત્રણેય ધારાસભ્ય કાલીઘાટની બેઠકમાં એક જ ગાડીમાં પહોંચ્યા હતા. ધારાસભ્યોએ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની હાજરીમાં જ પૂછ્યું કે જ્યારે જહાંગીર ખાને મતદાનના માત્ર બે દિવસ પહેલાં ઉમેદવારી પાછી ખેંચી લીધી, ત્યારે તેની સામે પાર્ટીએ શિસ્તભંગની કાર્યવાહી કેમ નહીં કરી?

 મોટા નેતાઓનું સમર્થન છતાં જહાંગીર કેમ હટ્યા?

કેટલાક ધારાસભ્યોની ટિપ્પણીઓમાં અભિષેક બેનર્જી પર પરોક્ષ નિશાન સાધવામાં આવ્યું હતું, કારણ કે ફાલ્ટા વિધાનસભા બેઠક અભિષેક બેનર્જીના ડાયમંડ હાર્બર લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે. ધારાસભ્યોએ એ પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે જહાંગીર ખાનને સંગઠન અને મોટા નેતાઓનું મજબૂત સમર્થન મળતું હોવા છતાં તેમણે ચૂંટણીમાંથી હટવાનો નિર્ણય કેમ લીધો?

 બેઠકમાં TMCના લગભગ 15 ધારાસભ્ય ગેરહાજર

આ બેઠકમાં TMC ધારાસભ્યોની હાજરીને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પાર્ટી સૂત્રોના જણાવ્યાનુસાર લગભગ 15 ધારાસભ્ય બેઠકમાં હાજર રહ્યા નહોતા. કેટલાકે ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપ્યું, જ્યારે માલદાના એક ધારાસભ્યએ પાર્ટી નેતૃત્વને જાણ કરી હતી કે તેઓ કોઈ કામસર દિલ્હી ગયા છે.